આરુષી હત્યા કેસ: તલવાર દંપતી નિર્દોષ

આરુષી હત્યા કેસ: તલવાર દંપતી નિર્દોષ
શંકાનો લાભ, આજીવન કેદમાંથી મુક્તિ આપતી અલ્હાબાદ હાઈ કોર્ટ
નવી દિલ્હી, તા. 12:  અલ્હાબાદ વડી અદાલતે, દિલ્હીની 14 વર્ષીય આરુષી તલવારની અને ઘરનોકર હેમરાજની ’08માં થયેલી હત્યાઓના કેસમાં દંપતી માતાપિતા ડો. નૂપુર અને ડો.રાજેશ તલવારને, શંકાનો લાભ આપી આજે  આરોપમુક્ત જાહેર કરતા જણાવ્યું હતું કે નોંધ પરના પુરાવાઓના જ આધારે અદાલત તેઓને દોષિત ન ઠરાવી શકે. સીબીઆઈ કોર્ટે દોષિત ઠરાવી ફરમાવેલી આજીવન કેદની સજા અનુસંધાને તલવાર દંપતી હાલ ગાઝિયાબાદની દાસના જેલમાં બંદી છે. ’13ની 26મી નવેમ્બરે ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે ફરમાવેલી આજીવન કેદની સજા સામે તલવાર દંપતીએ કરેલી અપીલ બેન્ચે માન્ય રાખી હતી.  આરુષીના 14મા જન્મદિનના 8 જ દિવસ પહેલાં ’08ની 1પમી મેની મધરાતે દિલ્હીના નોઈડામાં જલવાયુ વિહારમાંના આવાસના શયનકક્ષમાં ગળું રહેંસી નખાયેલી હાલતમાં આરુષીનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂમાં શકમંદ જણાયેલા હેમરાજનો ય મૃતદેહ બે દિવસ પછી ઈમારતની ટેરેસ પરથી મળી આવ્યો હતે. કેસ-તપાસમાં ઠાગાઠૈયાની ટીકાને પગલે તત્કાલીન મુખ્ય મંત્રી માયાવતીએ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈએ હાથ ધરેલી તપાસ પણ વિવાદમુક્ત ન હતી. સીબીઆઈની બે અલગઅલગ ટુકડીઓ વિરોધાભાસી નિષ્કર્ષો પર પહોંચી હતી: એકે નાર્કો-એનાલિસિસ રિપોર્ટ થકી તપાસમાં સફળતા મળ્યાનો દાવો કર્યો હતો અને તલવારના કમ્પાઉન્ડર ક્રિષ્ણા અને પડોશીના બે નોકરો-રાજકુમાર તથા વિજય મંડલની ધરપકડ કરી, પણ તેઓ સામે ચાર્જશીટ ન મૂકી શકતાં તેઓને છોડી મુકાયા. તે પછી સીબીઆઈએ રચેલી બીજી ટીમે કોર્ટમાં કલોઝર રિપોર્ટ રજૂ કરી દેવો પડયો, કારણ કે કોઈની ય સામે આરોપ મૂકવાના પૂરતા પુરાવા ન હોવાનું તપાસનીશોએ જણાવ્યું. સીબીઆઈ કોર્ટે કલોઝર રિપોર્ટ નકારી મોજુદ પુરાવાઓના આધારે તલવાર દંપતી સામે કાનૂની કારવાઈનો આદેશ આપ્યો, જેમાં સીબીઆઈ કોર્ટે તેઓને કસૂરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી. (ચકચારી કેસથી પ્રેરિત થઈ મેઘના ગુલઝાર નિર્દેશિત તલવાર નામક ફિલ્મ પણ બની જે ઠીક હિટ નીવડી હતી.)
 
ઘટનાચક્ર
16મી મે 2008 : ડેન્ટીસ્ટ દંપતીની પુત્રી આરૂષિ નોયડામાં જલવાયુ વિહારમાં મૃત હાલતમાં મળી
17મી મે 2008: નોકર હેમરાજનો મૃતદેહ ઘરની છત પર મળ્યો
23મી મે 2008: આરૂષિના પિતા રાજેશની બે હત્યા બદલ ધરપકડ
1લી જૂન 2008:  કેસ સીબીઆઈને સોંપાયો
29મી ડિસેમ્બર 2010: સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ તૈયાર કર્યો
25મી નવેમ્બર 2013: આરૂષિ-હેમરાજ ડબલ મર્ડર કેસમાં રાજેશ અને નુપુર તલવાર દોષિત
26મી નવેમ્બર 2013: સીબીઆઈ કોર્ટે રાજેશ અને નુપુરને આજીવન કારાવાસની સજા ફટકારી હતી
7મી સપ્ટેમ્બર 2017: તલવાર દંપતીના મામલામાં હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો
12મી ઓક્ટોબર 2017: પુરાવાના અભાવે નિર્દોષ છોડયું
ચુકાદો સાંભળી તલવાર દંપતી ભાવુક બન્યું
નોઈડા, તા. 12 : આરૂષી-હેમરાજ હત્યા કેસમાં અલ્હાબાદ કોર્ટે તલવાર દંપતીને પુરાવાના અભાવે છોડી મુક્યા છે. કોર્ટના આ ચૂકાદા બાદ આરૂષીના પિતા રાજેશ તલવાર અને માતા નૂપુર તલવાર ભાવુક થઈ ગયા હતા. ચૂકાદા અગાઉ બન્ને ખૂબ જ ચિંતિત હતા. ડાસના જેલમાં બંધ તલવાર દંપતીને રાત્રિના ઉંઘ  પણ આવી નહોતી અને બન્નેએ સવારનો નાસ્તો પણ ટાળ્યો હતો. વધુમાં સામાન્ય દિવસોની સરખામણીએ નૂપુર તલવારે અન્ય કેદીઓ સાથે વાતચીત પણ નહોતી કરી. ચૂકાદા મામલે પ્રતિક્રિયા આપતા આરૂષીના દાદાએ કહ્યું હતું કે, કોર્ટના ચૂકાદો રાહતદાયક છે.
 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer