દિવાળી પહેલાં સરકારી રાહતોની આતશબાજી

દિવાળી પહેલાં સરકારી રાહતોની આતશબાજી
ચૂંટણી જાહેર થાય તે પહેલાં રાજ્ય સરકારની તાબડતોબ અનેક જાહેરાતો
 
(અમારા પ્રતિનિધિ તરફથી), ગાંધીનગર, તા.12: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની તૈયારીમાં છે તે પહેલાં જ આજે નાયબ  મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તાબડતોબ સરકારી સહાયોની ઢગલાબંધ જાહેરાતો કરી દીધી હતી. આજે જાહેર થયેલી સહાયમાં ફીક્સ વેતનના વિદ્યુત સહાયકો અને વર્ગ-4ના કર્મચારીઓને વધારે લાભ મળે તેવી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં એસ.પી.રીંગ રોડ પર ટોલ ટેક્સ વસુલાતો હતો તે હવે પેસેન્જર રિક્ષા અને કાર જેવા નાનાં વાહનોએ નહીં ભરવો પડે તેવી અગત્યની જાહેરાત પણ કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવા આડે હજી પાંચ-છ દિવસ બાકી હોવાનું કહેવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર બીજી અનેક જાહેરાતો કરે તેવી સંભાવના પણ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે જે જાહેરાતો કરી તેમાં મહાનગર પાલિકા અને નગર પાલિકામાં ફરજ બજાવતા સફાઇ કામદારનું ફરજ દરમિયાન મૃત્યુ થાય, અથવા બિમાર-અશક્ત બને તો તેવા સંજોગોમાં વારસદારોને જીવન નિર્વાહ માટે તકલીફ ન પડે તે માટે રહેમરાહે નોકરી આપવાનો નિર્ણય કર્યો છે. મહાનગર પાલિકામાં રોકડ સહાયની માગણી કરે તો મનપા આપી શકશે. પરંતુ પછી તેના વારસદારને આ હક્ક મુજબ નોકરી મળશે નહીં શહેરી વિભાગે આ માટે 48 ટકા મહેકમ ખર્ચની મર્યાદા હતી તે સફાઇ કામદારોની ભરતી કરવા માટે કેટલીક શરતોને સાથે રદ કરી જેથી હવે રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા માટે ન.પા.ને વધુ સત્તા  મળશે.
તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલ તા.13ને શુક્રવારથી ઔડા વિસ્તારની હદમાં આવતા સરદાર પટેલ રીંગ રોડ પર નાના વાહનો એટલે કે પેસેન્જર રિક્ષા અને કાર પર લેવામાં આવતો ટોલ ટેક્ષ નાબૂદ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઔડાની આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે, જેનો અંદાજીત રૂ.8 કરોડનો ટેક્સ ઔડા ટેક્સ કંપનીને ચૂકવશે.
નીતિનભાઈ પટેલે એમ પણ જણાવ્યું કે, રાજ્ય સરકારના આઠ લાખથી વધુ કર્મચારીઓ/ અધિકારીઓ અને પેન્શનરોને 1 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સાતમા નાણાં પંચના લાભો મંજૂર કરીને પગાર અને પેન્શન ચૂકવવામાં આવ્યું છે તેના ઉપર હવે આ એક ટકા મોંઘવારી ભથ્થું તા-1-7-2017થી ગણતરી કરીને રોકડમાં ચૂકવવામાં આવશે. આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાહ પૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને 3પ00 રૂપિયાની મર્યાદામાં બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારને રૂ.11.87 કરોડનું વધારાનું ભારણ થશે. આનો લાભ અંદાજે પાંત્રીસ હજાર કર્મચારીઓને મળશે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિકારી/કર્મચારીઓને 6ઠ્ઠા પગાર પંચના સેટલમેન્ટ મુજબ એચ.આર.એ.ની 21 માસની રકમ ખાસ કિસ્સામાં ચૂકવાશે. તે માટે રાજ્ય સરકારને રૂ.68.69 કરોડની નાણાંકીય સહાયની રકમ એસટી નિગમને ફાળવી આપી છે જેનો લાભ એસ.ટી.નિગમના 41000 કર્મચારીઓને મળશે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેની સહયોગી કંપનીઓમાં ફરજ બજાવતા વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં પણ નોંધપાત્ર વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેનો લાભ 7049 કર્મચારીઓને મળશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer