30 હજાર પરિવારને અમરેલી યાર્ડ, અમર ડેરી પ્લાન્ટ રોજગારી પૂરી પાડશે

30 હજાર પરિવારને અમરેલી યાર્ડ, અમર ડેરી પ્લાન્ટ રોજગારી પૂરી પાડશે
અમર ડેરીના લોકાર્પણ વખતે જવાહરલાલ નહેરૂ આવ્યા’તા: આધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશેઅમરેલી/રાજુલા, તા. 13: અમરેલીના આંગણે 30 હજાર જેટલા પરિવારને રોજગારી પુરી પાડતાં આધુનિક નવા માર્કેટ યાર્ડ અને અમર ડેરીનાં બે પ્લાન્ટના ઉદ્ઘાટન માટે પધારી રહેલા વડાપ્રધાનનાં જન્મ દિવસે 68 લોકોએ ચક્ષુદાનનો સંકલ્પ કરી સંકલ્પપત્ર જન્મ દિને ભેટ આપવામાં આવશે.

રાજયમાં સહકારી સંસ્થાનાં ઉદ્ઘાટનમાં અમુલ ડેરીનાં લોકાર્પણ સમયે તે વખતનાં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ આવ્યા હતા ત્યાર બાદ આ એવો બીજો પ્રસંગ છે જેમાં અમરેલીનાં આંગણે સહકારી માંધાતાં લેખાતા બે સ્વપ્નદૃષ્ટા અને દીર્ઘદૃષ્ટાની મહેનતથી રૂ. 150 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા અમર ડેરીના કોમ્પ્યુટરાઇઝમાં ફૂલ્લી ઓટોમેટિક ડેરી પ્લાન્ટ અને ઓટોમેટિક કેટલ ફીડ ફેકટરી તેમજ રૂ. 125 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ આધુનિક માર્કેટ યાર્ડની ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 68મા જન્મ દિવસે અમરેલીનાં આંગણે આવી રહ્યા છે. વહીવટી તંત્ર સાથે સહકારી સંસ્થાના તેમજ સમાજનાં આગેવાનો તડામાર તૈયારીમાં પડી ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માધ્યમથી અમર ડેરી દ્વારા 35 વિઘામાં વૃક્ષોનું  વાવેતર-જતન કરી અમર મધ ઉછેર કેન્દ્ર, અમર આઇક્રીમ પ્લાન્ટ-ટ્રેનિંગ સેન્ટર તેમજ 500 ચો.મીટરમાં જનસુવિધા કેન્દ્રનું ભૂમિપૂજન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. હની તેમજ આઇક્રીમ પ્લાન્ટથી અન્ય હજારો પરિવારને રોજગારી મળશે.

અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન, સહકારી સંસ્થા નાફસ્કોબનાં ચેરમેન તેમજ માજી કેબિનેટ મંત્રી એવા દિલીપભાઇ સંઘાણી, અમર ડેરીનાં ચેરમેન અશ્વિન સાવલિયા, એમ.ડી. ડો. આર.એસ. પટેલ, વા. ચેરમેન મુકેશ સંઘાણી, ડિરેકટર ભાવના ગોંડલિયા સહિતની ટીમની ઉપસ્થિતિમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં સંઘાણીએ “ટીમ સહકાર”નાં સહયોગથી હજારો પરિવારને રોજગારી ઉભી થાય તે દિશામાં પગલા લેવા આહવાન કર્યું હતું, અને જણાવેલ હતું કે, આજનાં યુગમાં અભ્યાસનો વિકલ્પ નોકરી નથી અને નોકરીનો વિકલ્પ અભ્યાસ નથી. રોજગારી મેળવી સ્વાવલંબન બનવા પર ભાર મૂકેલ હતો.

અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના બોર્ડ ઓફ ડિરેકટરોની બેઠક જિલ્લા સંઘના પ્રમુખ શરદભાઇ લાખાણીના અધ્યક્ષસ્થાને મળેલ તેમાં ઉપપ્રમુખ જયંતીભાઇ પાનસુરિયા-ચલાલા, મનુભાઇ પટેલ-રાજુલા, શ્રી હસુભાઇ વરૂ-જાફરાબાદ, ભીખાભાઇ કલસરીયા-રાજુલા, શ્રી એમ.આર. ધાનાણી, ચતુરભાઇ દેસાઇ-અમરેલી, શ્રી ધીરૂભાઇ ઉમરેઠીયા-લીલીયા, શ્રી કપીલભાઇ ગજેરા-કુકાવાવ, અશોકભાઇ શેલડીયા-ખાંભા, શ્રી રવજીભાઇ પાનશેરીયા-બાબરા તેમજ સંઘના મેનેજર પી.એમ. સેંજલીયા પણ ઉપસ્થિત રહ્યા હતાં.

રાજુલા: દરમિયાનના તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રી, તાલુકા પંચાયત પ્રમુખ સંગઠન હોદેદારો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ સરપંચ અને તલાટી મંત્રી વગેરે આગામી તા. 17મીએ પ્રધાનમંત્રી કાર્યક્રમના સંદર્ભની બેઠકમાં હાજર રહ્યા હતાં.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer