મોબાઈલમાં ઘૂસીને બેંક ખાતા ખાલી કરતો વાયરસ

મોબાઈલમાં ઘૂસીને બેંક ખાતા ખાલી કરતો વાયરસ
40  ટકા ભારતીયો જૈફેકોપી મેલવેરનો શિકાર બન્યા હોવાનો અહેવાલ

નવી દિલ્હી, તા. 13 : સ્માર્ટફોન યૂઝર્સ માટે એક માઠા સમાચાર છે. એક વાયરસ 40 ટકા ભારતીયોને નિશાન બનાવીને તેઓના ખિસ્સા ખાલી કરી રહ્યો છે. એમ માનવામાં આવે છે કે, આ વાયરસનો ભોગ બનનારા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે મોટાભાગના ભારતીયો પાસે આ વાયરસ મામલે કોઈ જાણકારી નથી. માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરના 47 દેશોના મોબાઈલ યૂઝર્સના ખિસ્સા ખાલી વાયરસે ખાલી કર્યા છે. સાયબર સિક્યોરીટી કંપની કાસ્પરસ્કીએ એક અહેવાલમાં વાયરસ બાબતે ખુલાસો કર્યો છે.

અહેવાલ પ્રમાણે જૈફેકોપી ટ્રોઝન નામનો મેલવેર ભારતના કેટલાય મોબાઈલમાં ઘૂસી ગયો છે.  આ વાયરસ ખુબ આધુનિક હોવાના કારણે મોબાઈલમાં ઘૂસી ગયા બાદ પણ સિસ્ટમ એકદમ વ્યવસ્થિત ચાલે છે. આ વાયરસ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ(વૈપ) બિલિંગ પ્લેટફોર્મ મારફતે મોબાઈલમાં ઘુસી જાય છે. વૈપ એક મોબાઈલ પેમેન્ટ સિસ્ટમ છે. તેનાથી કરેલો ખર્ચો યૂઝર્સના મોબાઈલ બીલમાં જોડાય છે. જો કે સ્માર્ટ વાયરસ આરામથી સિક્યોરીટીને તોડીને  અલગ અલગ સર્વિસ શરૂ કરી નાખે છે અને મોબાઈલ યૂઝર્સની જાણ બહાર રૂપિયાની ચુકવણી પણ કરી દે છે.  જો લોકો એમ વિચારતા હોય કે, ક્રેડિટ કે ડેબીટ કાર્ડને કોઈ પણ વેબસાઈટ ઉપર રજીસ્ટર ન કરાવ્યું હોય તો વાયરસ નુકશાન ન પહોંચાડી શકે તો તે ધારણા ખોટી છે. કારણ કે કાર્ડ રજીસ્ટર ન કરાવ્યું હોય તો પણ વાયરસ સર્વિસ શરૂ કરીને રૂપિયા ઉપાડી લે છે. વધુમાં જૈફેકોપી મેલવેર કેપ્ચા સિસ્ટમની પણ નજર ચુકવી શકે છે. આ વાયરસથી બચવા માટે થર્ડ પાર્ટી એપ્લીકેશન ડાઉનલોડ ન કરવાની સુચના પણ જારી કરવામાં આવી છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer