પેટ્રોલિયમ જીએસટી તળે લાવવું જોઇએ

પેટ્રોલિયમ જીએસટી તળે લાવવું જોઇએ
કિંમતો ભારે ઊંચકાતાં મંત્રાલયની તાકીદની  બેઠક; પ્રધાને કહ્યું જીએસટી જ ઉપાય, કોંગ્રેસના પ્રહારો

 

નવી દિલ્હી, તા.13 : કેન્દ્ર સરકાર દ્વારા તેલ કંપનીઓને પેટ્રોલ-ડીઝલના છૂટક વેચાણ ભાવ દૈનિક ધોરણે નિયત કરવાની મંજૂરી આપી તે પછી હાલમાં પેટ્રોલની કિંમતો 70 રૂા. પ્રતિલિટરને પણ પાર કરી જતાં લોકો બેહાલ બન્યા છે. મુંબઈમાં તો પેટ્રોલની કિંમતો 80 રૂપિયા થઈ જતાં લોકો પરેશાન બન્યા છે ત્યારે પેટ્રોલિયમ મંત્રીએ વધતી કિંમતો પર હાથ ઉંચા કરી લીધા છે. ધર્મેન્દ્ર પ્રધાને ઈંધણની કિંમત કાબૂમાં લેવાનો ઉપાય જીએસટી હોવાનું કહ્યું છે. અન્ય અહેવાલ મુજબ તેલ મંત્રાલયે કિંમતની સમીક્ષા માટે તાકીદની એક બેઠક બોલાવી હતી. વિપક્ષ કોંગ્રેસે પેટ્રોલ કિંમત મામલે મંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. બેઠક બાદ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એમ કહ્યું હતું કે દુનિયાભરમાં પેટ્રોલની કિંમતો વધી છે અને તેની અસર ભારતમાં પણ થઈ રહી છે. પ્રધાને કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે પેટ્રોલિયમને જીએસટી હેઠળ લાવવામાં આવે. રાજ્ય સરકારોના નાણામંત્રીઓ પણ આ બાબત કહી ચૂક્યા છે. જો તેને જીએસટી હેઠળ લાવવામાં આવે તો કિંમતોનું પૂર્વાનુમાન થઈ શકે છે.

હાલમાં વિવિધ કરોને કારણે મુંબઈ અને દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં મોટું અંતર દેખાઈ રહ્યું છે એમ કહેતાં પ્રધાને કહ્યું કે અમે જીએસટી કાઉન્સિલ પાસે માંગ કરી હતી કે પેટ્રોલિયમને પણ જીએસટી હેઠળ લાવવામાં આવે. જો આમ થાય તો સામાન્ય લોકોને ઘણી રાહત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે 26 મે 2014ના જ્યારે મોદી સરકારે શપથ લીધા ત્યારે ક્રૂડ તેલના ભાવ 6330.65 ડોલર પ્રતિ બેરલ હતા જે 11 સપ્ટેમ્બર 2017ના 3368.39 ડોલર થઈ ગયા હતા. આમ છતાં દેશમાં ઈંધણની કિંમત વધતી જ હોવાથી હવે આ ભાવ શા માટે વધી રહ્યા છે તેવો ગણગણાટ સતત થઈ રહ્યો છે.

દરમ્યાન, પેટ્રોલની વધતી કિંમતો અંગે કોંગ્રેસે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર શાબ્દિક હુમલો કર્યો હતો. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ મંત્રી આમ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમને પોતાને જ એ બાબતની જાણ નથી કે કિંમતોને કાબૂમાં કેમ કરવી. ક્રૂડ તેલની કિંમતો 50 ટકાથી વધુ ઓછી થઈ ગઈ છે છતાં અહીં તેલની કિંમતો કેમ વધુ છે. શું આ આર્થિક આતંકવાદ નથી એવો સવાલ તિવારીએ ઉઠાવ્યો હતો.

 

 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer