ભાઈચારા સાથે જોવા મળી ભાઈબંધી

ભાઈચારા સાથે જોવા મળી ભાઈબંધી
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેનું અભૂતપૂર્વ સ્વાગત કરતા નરેન્દ્ર મોદી : પહેલીવાર બે વડાપ્રધાનનો ખુલ્લા વાહનમાં રોડ-શો : આજે મહત્ત્વાકાંક્ષી બૂલેટ ટ્રેન પ્રોજેકટનું ખાતમુહૂર્ત

 

(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.13: સામાન્ય રીતે ભારત અને જાપાનના મૈત્રી સંબંધોને ભાઈચારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આજે જાપાનના વડાપ્રધાનના સ્વાગત વખતે બન્ને દેશના વડાપ્રધાનો વચ્ચે ભાઈબંધીના પણ દર્શન થયા હતાં. જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબે આજે બે દિવસનાં ગુજરાતનાં ઐતિહાસિક પ્રવાસે આવી પહોંચ્યા હતાં. અમદાવાદ એરપોર્ટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેટીને તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બન્ને નેતાઓએ એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી અભૂતપૂર્વ સુરક્ષાઘેરા વચ્ચે 8 કિ.મી.નો શાનદાર અને છટાદાર રોડ-શો યોજ્યો હતો. જેમાં પહેલીવાર બે રાષ્ટ્રનાં વડાએ ખુલ્લી જીપમાં હજારોની મેદનીનું અભિવાદન ઝીલ્યું હતું અને માર્ગમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી નિહાળી હતી. રોડ-શો દરમિયાન આબે અને તેમના પત્ની ભારતીય વત્ર પરિધાનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. દુલ્હનની જેમ શણગારેલા અમદાવાદમાં મોદી અને આબેની ઝલક જોવા માટે હજારો  શહેરીજનો ઉત્સાહભેર ઉમટી પડયા હતાં. ત્યારબાદ મોદીએ આબેને રિવરફ્રન્ટનો અદ્દભૂત નજારો બતાવ્યો હતો. સાબરમતી આશ્રમ ખાતે આબેએ તેમનાં પત્ની સાથે મહાત્મા ગાંધીજીને અંજલિ અર્પણ કરી હતી અને વડાપ્રધાન મોદીએ પોતે તેમને આ સ્થળનાં ઐતિહાસિક તથ્યોની જાણકારી આપી હતી. ત્યાંથી બન્ને વડાપ્રધાનો સીદી સૈયદની ઐતિહાસિક અને અલભ્ય જાળી નિહાળવા પહોંચ્યા હતાં. આ તકે વડાપ્રધાન બન્યા બાદ મોદીએ પણ પહેલીવાર મસ્જિદની મુલાકાત લીધી હતી. આ ભરચક્ક કાર્યક્રમો પૂરા કર્યા બાદ હોટેલ અગાશીએમાં પરંપરાગત ગુજરાતી અને જાપાની ભાણાની લહેજત સાથે માણી હતી. હવે આવતીકાલે મોદી અને આબે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.

-----------------

ભારતમાં બુલેટ ટ્રેનમાં જાપાનનો ફાયદો જોઇ ચીન પણ લલચાયું

ચીને હાઇસ્પીડ ટ્રેન પરિયોજનાઓમાં રોકાણના પ્રયાસો આરંભ્યા

નવી દિલ્હી, તા. 13 : બુલેટ ટ્રેનમાં જાપાનનો ફાયદો જોઈને હવે ચીન પણ લલચાઈ ગયું છે. ચીને પણ ભારતમાં ‘હાઈસ્પીડ’ ટ્રેન પરિયોજનામાં કામ લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે જાપાનના વડાપ્રધાન શિન્જો એબે હાઈસ્પીડ  ટ્રેન પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે.

ચીન ભારતમાં બે હાઈસ્પીડ ટ્રેન યોજનાનો અભ્યાસ કરી ચૂક્યું છે. ચીનનું કહેવું છે કે તે આ પ્રકારની પરિયોજનામાં ભારતની સાથે કામ કરવા માગે છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, ચીને ભારતમાં ચેન્નાઈ-નવી દિલ્હી અને નવી દિલ્હી-નાગપુર વચ્ચે હાઈસ્પીડ ટ્રેન પરિયોજનાનો સંભવિત અભ્યાસ કર્યો છે. હાઈસ્પીડ ટ્રેન યોજના અંગે ભારત અને ચીન મહત્ત્વપૂર્ણ સમજૂતી તરફ છે.

શુઆંગે કહ્યું હતું કે, ભારત અને ચીનમાં આ યોજનાથી જોડાયેલા વિભાગો એકબીજાના સંપર્કમાં છે. ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. દુનિયામાં જાપાન અને ચીન હાઈસ્પીડ ટ્રેન ટેક્નોલોજી નિકાસ કરનારા સૌથી મોટા બે દેશ છે. ચીને ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં હાઈસ્પીડ પરિયોજના પર કામ કરેલું છે.

અમે ભારતની સાથે અને અન્ય પ્રાદેશિક રાષ્ટ્રોની સાથે પ્રાદેશિક વિકાસની યોજનાઓ પર કામ કરવા તૈયાર છીએ એમ તેમણે કહ્યું હતું.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer