JDUમાં યાદવાસ્થળી : શરદની પાંખો કપાઈ

JDUમાં યાદવાસ્થળી : શરદની પાંખો કપાઈ
રાજ્યસભામાં પક્ષના નેતાપદેથી છૂટ્ટી : RCP સિંહને ગૃહમાં પક્ષનું નેતૃત્વ

પ્રમોદ મુઝુમદાર

નવી દિલ્હી, તા.12 : બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ (યુનાઇટેડ)ના અધ્યક્ષ નીતિશકુમારે જુલાઇમાં ભાજપ સાથે નવી સરકાર બનાવ્યા બાદ બિહારમાં જનતા દળ (યુ), લાલુપ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને કૉંગ્રેસના મહાગઠબંધનનો કરુણ અંત આવ્યો હતો. આ રાજકીય ઘટનાક્રમથી જદયુના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય શરદ યાદવ પોતાની પાર્ટીના અધ્યક્ષ નીતિશકુમારથી ખૂબ નારાજ હતા અને તેમણે વિદ્રોહનો રસ્તો લીધો હોવાથી જદયુ તૂટી જવાનું જોખમ છે. જોકે, પક્ષે એટલે કે નીતિશકુમારે પાણી પહેલા પાળ બાંધતો નિર્ણય લઇને શરદ યાદવને રાજ્યસભામાં પાર્ટીના નેતા પદેથી બરખાસ્ત કરી દીધા છે.

દિલ્હીના રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્રોહી બની ચૂકેલા શરદ યાદવના સ્થાને પાર્ટીએ રાજ્યસભામાં આર સી પી સિંહને જૂથના નેતા બનાવવાનો નિર્ણય પણ લીધો છે અને પાર્ટીના સાત રાજ્યસભાના સભ્ય, બે સંસદસભ્ય તરફથી પાર્ટીના મહાસચિવ સંજય ઝાએ સવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ વેન્કૈયા નાયડુ સાથે મુલાકાત કરીને એક પત્ર સુપરત કરીને આ જાણકારી આપી હતી. આ રીતે શરદ યાદવનું રાજ્યસભાનું સભ્યપદ અને રાજ્યસભામાં પાર્ટીના નેતાનું પદ પણ છીનવી લેવાયું છે. જોકે, રાજ્યસભામાં જદયુના કુલ દસ સભ્યો છે, તેમાંથી અલી અનવરને આ અગાઉ બરખાસ્ત કરી દેવાયા છે તેમ જ કેરળ તરફથી પાર્ટીના રાજ્યસભાના સભ્ય વીરેન્દ્ર કુમારે ભાજપ સાથે જોડાવાના નીતિશકુમારના નિર્ણયથી પોતાને વેગળા રાખ્યા છે.

શરદ યાદવ હાલમાં બિહારની ત્રણ દિવસની યાત્રાએ છે અને યાત્રાની સભાઓમાં તેઓ નીતિશકુમારના નિર્ણયનો વિરોધ ખુલીને કરી રહ્યા છે. તેઓ નીતિશકુમારના ભાજપ સાથેના જોડાણને દગાખોરી તરીકે પણ ચીતરી રહ્યા છે. જોકે, જદયુએ તેમને 19 અૉગસ્ટે મળનારી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કરવાનું નિમંત્રણ મોકલ્યું છે. હવે જો તેઓ આ કારોબારીમાં હાજર નહીં રહે તો શરદ યાદવ વિરુદ્ધ પાર્ટી વધુ કડક શિસ્તભંગના પગલાં લેશે અથવા તો તેમને પાર્ટીમાંથી જ હાંકી કાઢશે.

-------------

નીતીશને ગઉઅમાં સામેલ થવા શાહનું નિમંત્રણ

નવી દિલ્હી, તા. 12 : નીતિશકુમાર ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુના શપથ સમારોહમાં હાજર રહેવા દિલ્હી આવ્યા હતા અને બાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે ખાસ મુલાકાત કરી હતી. શાહે નીતિશકુમારને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)માં સાથીદાર પાર્ટી બનવાનું નિમંત્રણ આપ્યું હતું. 19 અૉગસ્ટે જદયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ સંબંધે નીતિશકુમાર કોઇ નિર્ણય લેશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

કૉંગ્રેસ દ્વારા વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને મહાગઠબંધનની તૈયારીઓ ચાલી રહી છે તેમાં નીતિશકુમારે પહેલો  ફટકો માર્યો છે અને હવે સોનિયા ગાંધીએ તમામ વિપક્ષોની એક બેઠક ગઇ કાલે યોજી હતી, જેનો શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીએ બહિષ્કાર કરતા મહાગઠબંધનને વધુ એક ફટકો પડયો હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. 

 

 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer