પાંચ દિવસમાં 63 બાળકોનાં મૃત્યુ

પાંચ દિવસમાં 63 બાળકોનાં મૃત્યુ
ન્યાયિક તપાસનો આદેશ : હોસ્પિટલના પ્રિન્સિપાલનું રાજીનામું : ઓક્સિજન સપ્લાયર પેઢીનો માલિક ફરાર

સ્થિતિ ઉપર વડાપ્રધાનની દેખરેખ : આદિત્યનાથે દોષિતોને સજાની ખાતરી આપી

 

ગોરખપુર/લખનૌ/નવી દિલ્હી, તા.12: યુપીના ગોરખપુરની સરકાર સંચાલિત બાબા રાઘવદાસ (બીઆરડી) મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ચેપ લાગવાથી  અને ઓક્સિજનના અભાવે  (તા. 7થી તા. 11 દરમિયાન ) 63 બાળકો મરણશરણ થયાની કાળજું કંપાવતી કરુણાંતિકાએ તંત્રને દોડતું કરી દીધું છે અને સરકારે અનેક સ્તરે પગલા લેવા શરૂ કર્યા છે અને  દુર્ઘટના સંબંધે ચોંકાવતી વિગતો ય બહાર આવી રહી છે. બીઆરડી મેડિકલ કોલેજ હોસ્પિટલના પ્રિન્સિપાલને, (સસ્પેન્સન પહેલા જ) બનાવની નૈતિક જવાબદારી  સ્વીકારી રાજીનામું આપી દીધું હતું. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે બનાવની વિગતવાર તપાસની અને દોષિતોને આકરી સજાની ખાતરી આપી હતી. દુર્ઘટનાની મેજિસ્ટરીઅલ તપાસનો આદેશ સરકારે આપ્યો છે. વડા પ્રધાન આ બનાવ સંબંધિત પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખી રહ્યા છે અને કેન્દ્ર/ રાજ્ય સરકારના સંપર્કમાં રહ્યા છે.

હોસ્પિટલને ઓક્સિજન પૂરો પાડતી લખનૌની પેઢી પુષ્પા સેલ્સ ખાતે દરોડા પાડવામાં આવ્યા છે, જેનો માલિક ફરાર થયો છે.         ઓક્સિજન સિલિન્ડરોના ચડત બિલ પેટે રૂ.68 લાખ ચૂકવવાના બાકી હોઈ ઉક્ત પેઢીએ તેનો પુરવઠો રોકી રાખ્યો તે આ દુર્ઘટના બનવા પાછળનું પ્રમુખ કારણ છે. દરમિયાન  હોસ્પિટલે ચડત બિલના આંશિક નાણાં (રૂ. 21 લાખ) ચૂકવ્યાને પગલે પુષ્પા સેલ્સે રવાના કરેલો ઓક્સિજન સિલિન્ડરનો ટ્રક  આજે રાત સુધી હોસ્પિટલે પહોંચાડવા તજવીજ થઈ હતી. સરકારે આજે એકરાર કર્યો છે કે આઠસો પથારીવાળી આ હોસ્પિટલ ગુરુવારે રાતે બે કલાક માટે ઓક્સિજનવિહોણી રહી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું હતું કે કોલેજના પિડીઆટ્રિક વિભાગના અહેવાલ મુજબ તા. 7મીથી વિવિધ બીમારીઓસર  60 બાળકોના મૃત્યુ થયા છે.

કેન્દ્રના આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ બનાવ વિશેનો વિગતવાર રિપોર્ટ રાજ્યના પ્રશાસન પાસે માગ્યો છે અને તેમની દોરવણીથી કેન્દ્રના આરોગ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ અને કેન્દ્રના આરોગ્ય સચિવ આનુષંગિક પરિસ્થિતિનો તાગ મેળવવા ગોરખપુર પહોંચ્યા છે.

હોસ્પિટલ સત્તાવાળાઓની ઘોર અને નઘરોળ લાપરવાહી ખુલ્લી પાડતી બહાર આવેલી હકીકત એ છે કે  ચડત બિલની ચૂકવણીના અભાવે ઉપરોક્ત પુષ્પા સેલ્સે, ઓક્સિજન સિલિન્ડરોનો પુરવઠો અટકાવી દીધો હોવાની ચેતવણી આપતા પત્ર હોસ્પિટલના ઓક્સિજન સપ્લાય વિભાગે હોસ્પિટલ સત્તાવાળાઓને લખ્યા હતા જે પુરવાર કરે છે કે સિલિન્ડર અછતથી હોસ્પિટલ સત્તાવાળા વાકેફ હોવા છતાં તેના ઉકેલાર્થે સક્રિય થયા ન હતા ! બલકે પત્રમાં એ ય જણાવાયું હતું કે કેટલીક વિનંતીઓ છતાં વિતરકે બિલ ચૂકવણી ન થવાના વાંકે પુરવઠો અટકાવી જ દીધો હતો. બીજી તરફ હોસ્પિટલ સત્તાવાળાઓએ એવો લૂલો બચાવ સાથેની સફાઈ પેશ કરતા જણાવ્યું છે કે બાળકોના મોત કંઈ ઓક્સિજનના અભાવે નથી થયા. આ રીતે કોઈ પુરવઠો અટકાવી ય ન શકે, તેના પરિણામ અમે જાણીએ છીએ ! (ઓક્સિજનનો અભાવ બાળકદર્દીના શરીરમાં એન્સેફેલાઈટીસ નોતરે છે, જેનાથી તેના મગજમાંનું એકાએક ઇન્ફલેમેશન તેનું મોત લાવી દ્યે છે)

રાજ્યના આરોગ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું છે કે તા. 9 જુલાઈએ અને તા. 9 ઓગસ્ટે હોસ્પિટલની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનને  ઓક્સિજનના અભાવ વિશે હોસ્પિટલના તબીબો અને અધિકારીઓએ વાકેફ કર્યા ન હતા.

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની દોરવણીથી પક્ષના સીનિયર નેતાઓ-ગુલામ નબી આઝાદ,  રાજ બબ્બર, સંજયસિંહ અને પ્રમોદ તિવારી ગોરખપુર હોસ્પિટલે પહોંચ્યા હતા.

--------------

CM અને આરોગ્ય મંત્રીના રાજીનામા માગતો કોંગ્રેસ

નવી દિલ્હી તા. 12: ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પાંચ દિવસમાં 60 બાળકોના મૃત્યુની દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રાજયના આરોગ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે બનાવ અંગે ખેદ પ્રગટ કરતા જણાવ્યું હતું કે દર વર્ષે ઓગસ્ટમાં હોસ્પિટલમાં બાળકોના મોત થાય છે.’14માં પ67 બાળકોના મોત થયા હતા. અલબત્ત એક દિવસમાં 30 બાળકોના મોત ચોંકાવી દેતી ઘટના છે.કોંગ્રેસે તો રાજયના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને આરોગ્યમંત્રીએ બનાવ સબબ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામાં આપવા જોઈએઁ. કોંગ્રેસ પ્રવકતા મનીષ તિવારીએ એવી ટીકા કરી હતી કે કુંભકોણમમાં બાળકોની હત્યાઓની જેમ આટઆટલા વર્ષમાં કશું ય થયુ નહીઁ અને આરોપીઓ આબાદ છટકી ગયા હતા. હોસ્પિટલનું વહીવટીતંત્ર, ઓકસીજન સપ્લાયર અને જિલ્લા વહીવટીતંત્ર- આ સૌ સામે ફોજદારી અપરાધ આચરવા સબબ કામ લેવામા આવે.

આ દર્દનાક ઘટના માટે ભાજપ સરકારની નિંદા થાય તેટલી ઓછી છે એમ કહીને બસપાના વડા માયાવતીએ ઉમેર્યુ હતું કે મેં રચેલી 3 સભ્યની ટીમ હોસ્પિટલ ખાતેની પરિસ્થિતિનો કયાસ મેળવશે.

સરકાર કંઈ સત્ય બહાર લાવશે નહીં પક્ષનું પ્રતિનિધિમંડળ હોસ્પિટલની મુલાકાત લઈ તાગ મેળવશે એમ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે જણાવ્યુ હતું

નોબેલ પારિતોષિક વિજેતા કૈલાસ સત્યાર્થીએ આટલી મોટી બાળકોના થયેલા મૃત્યુને હત્યા ગણાવ્યા હતા. તેમણે મુખ્યમંત્રીને અનુલક્ષી એ ટવીટર પર એ મતલબની અપીલ કરી હતી કે તમારી નિર્ણાયક દરમિયાનગીરી જ દાયકાઓથી ચાલતી  યુપીમાંની ભ્રષ્ટ તબીબી સિસ્ટમને સુધારી શકશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer