ચોટલી કાંડમાં સીઆઈડીની એન્ટ્રી!

રાજકોટ, તા. 12: ઉત્તર ભારત પછી ગુજરાતમાં પણ ચોટલી કપાવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ગઇકાલે રાજયભરમાંથી 6 કિસ્સા બહાર આવતા જ સરકારને હરકતમાં આવવું પડયું છે. આજે અમદાવાદની બે અને જૂનાગઢની એક મહિલાની ચોટલી કપાઇ છે ત્યારે રાજયના મુખ્યમંત્રીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ગૃહપ્રધાને તપાસના આદેશ છોડયા છે અને મહત્ત્વની વાત તો એ છે કે આ ઘટનાની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી છે. આ ઘટનાક્રમ જ દર્શાવે છે કે આ ચોટલી કાંડમાં ‘કુછ તો ગરબડ હૈ.’

ગઇકાલે જ આ અખબારમાં ચોટલી કાંડના અહેવાલમાં ‘ચોટલી કાંડના હાહાકારની ચોટલી તો કાપો’ તે મતલબનો ઇશારો કરાયો હતો. આજે સરકારે આ મામલો હાથમાં લીધો છે.

ચોટલી કાંડની દહેશત દેશભરમાં ફેલાઇ છે અને ગુજરાતમાં પણ કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે રાજયના ચોટલી કાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આ મામલાને ગંભીરતાથી લીધો છે. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ તપાસના આદેશ આપતા જિલ્લાના સ્થાનિક ડીએસપીને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઇકાલે ડીજીપી ગીથા જોહરીની અધ્યક્ષતામાં આ સમગ્ર મામલાનો વિસ્તૃત અભ્યાસ કરી આ ઘટના માટે દરેક જિલ્લાને એલર્ટ કરી દેવાયા છે. વિવિધ પાસાઓને ધ્યાને લઇ જુદી જુદી ટીમો કામે લાગી ગઇ છે. આ બનાવ સાયકોલોજિકલ છે કે અન્ય કોઇ તે અંગેનો અહેવાલ ઝડપથી સરકારને આપવામાં આવશે અને તે મુજબ પગલાં ભરવામાં આવશે.

 

અમદાવાદમાં તરુણી, યુવતી; જૂનાગઢમાં પ્રૌઢાની ચોટલી કપાઈ

રાજકોટ, તા.12 : ચોટલીકાંડનો હાહાકાર આજ પણ રાજ્યમાં યથાવત રહ્યો હતો. ગઈકાલની છ ઘટના બાદ આજે અમદાવાદમાં બે અને જૂનાગઢમાં એક મહિલાની ચોટલી કપાઈ છે. અમદાવાદના નારોલના શાંતિપુરામાં રહેતા પરપ્રાંતિય પરિવાર ઘરના દરવાજા બંધ કરીને સુતો હતો ત્યારે રાત્રિના 12 વાગ્યે 15 વર્ષની તરૂણીની ચોટલી કપાઈ હતી. આ તરુણી ભયભીત થતાં તેના પરિવારે સાંત્વના આપી હતી. આ ઘટનાએ આ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો હતો. આ રીતે શીલજ વિસ્તારમાં ચંદ્રાવતી રામશરણ નામની મહિલાની ચોટલી કપાઈ છે.

જૂનાગઢમાં રહેતા મૂળ બનારસના સીમાબહેન નંદલાલ યાદવ (ઉ.55) નામની પ્રૌઢા ગતરાત્રે સુતી હતી ત્યારે કોઈ ચોટલી કાપી ગયું હતું. આ ઘટનાથી પ્રૌઢા બેબાળકી બની ગઈ છે.

 

ચોટીકાંડે જન્માવી અંધશ્રદ્ધા; ઘેર ઘેર લાગ્યાં કંકુના થાપા!

રાજકોટ, તા.12 : રાજ્યમાં ચકચારી બનેલા ચોટલીકાંડની વિગતો જેમ જેમ બહાર આવતી જાય છે. તેમ તેમ આ ઘટના પ્રત્યે અંધશ્રદ્ધાના ઘોડાપૂર ઉમટયાં છે. ચોટલી કપાવાની ઘટના જે સ્થળે બને તે વિસ્તારમાં હાહાકાર મચી જવા ઉપરાંત તે વિસ્તારના લોકો પોતાના ઘરમાં આવી ઘટના ન બને તે માટે વિવિધ અંધશ્રદ્ધાયુક્ત ઉપાયો અજમાવતા જોવા મળે છે. ચેટલીકાંડથી ભયભીત લોકોએ પોતાના ઘરની બહાર જયશ્રીરામ જેવા લખાણો લખવાનું અને કંકુવાળા હાથના થાપા મારવાનું  શરૂ કર્યું છે. વિજ્ઞાન જાથા આ ઘટનાને પગલે અંધવિશ્વાસ અને અફવાથી દૂર રહેવા જણાવ્યું છે. સંસ્થાએ તપાસના અંતે સ્પષ્ટ કહ્યું છે. કે ચોટીકાંડ માનવ સર્જીત છે. માનસિક વિકૃતી અને ટીખળ ખોર લોકોની આ હરકત છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer