હળવદ પાસેની અથડામણમાં વધુ એક મૃત્યુ

વઢવાણ/હળવદ/મોરબી, તા. 16: હળવદ પાસે થયેલી જૂથ અથડામણમાં ગંભીર રીતે ઘવાયેલા હળવદના ચિત્રોડી ગામના 60 વર્ષના ભરવાડ વૃદ્ધ ખેતાભાઇ નાગજીભાઇનું સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં મૃત્યુ નિપજતાં મૃત્ય આંક ત્રણ પર પહોંચ્યો હતો. આ વૃદ્ધનો મૃતદેહ સ્વીકારવાનો તેના પરિવારજનોએ ઇન્કાર કરી દીધો હતો. તેના પગલે ફરી વાતાવરણ તંગ થાય તેવું જણાતાં મોરબી, સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સહિતના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે અથડામણમાં થયેલી હત્યા અંગે બાર શખસની ધરપકડ કરવામાં આવી છે. તેને આઠ દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે.

ધ્રાંગધ્રાના માજી પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાની હત્યા થયા બાદ ત્રણ દિવસ પહેલા ગુરૂવારે તેમના ઉઠમણાની વિધિ સમયે હળવદ પાસેના હાઇ-વે પર ક્ષત્રિયો અને ભરવાડોના જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સોલડીના રાણાભાઇ બાબુભાઇ ભરવાડ સહિત બેની હત્યા થઇ હતી. જ્યારે ચિત્રોડીના ખેતાભાઇ ભરવાડ અને તેના ભાઇ વાલાભાઇને ઇજા થઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા ખેતાભાઇને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો એકત્ર થયા હતાં અને મૃતકના પરિવારજનો અને આગેવાનોએ તાકીદે આરોપીઓને ઝડપી લઇને કડક સજા કરવા, તપાસમાં ઢીલાશ રાખનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા સહિતની માગણી કરીને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેવાયો હતો. પોલીસ સહિતના તંત્રના અધિકારીઓ દ્વારા વાટાઘાટ ચાલી રહી છે. દરમિયાન અથડામણમાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયાની જાણ થતાં મોરબી, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા પંથકમાં બપોરના બે વાગ્યાથી આવતીકાલ તા. 17મીના બે વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ગુરૂવારની અથડામણ અને હત્યા અંગે જામનગર પંથકનાબાર શખસ ગોપાલસિંગ જોધાસિંગ શેખાવત, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદિયો લખધીરસિંહ સોઢા, યોગેન્દ્રસિંહ ભરતસિંહ પરમાર, વિજયસિંહ બટુકસિંહ જાડેજા, મયુરસિંહ ચંદ્રસિંહ સોઢા, કૃષ્ણસિંહ ઉર્ફે મહાકાલ અભેસિંહ ઝાલા, હરીશ્ચંદ્રસિંહ કનકસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ રણજીતસિંહ જેઠવા, મહાવીરસિંહ બહાદુરસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ મુળુભા જેઠવા, અનિરૂધ્ધસિંહ પ્રવીણસિંહ વાઢેર અને ભરતસિંહ ભીખુભા જાડેજાની પોલીસે ધરપકડ કરી હતી. આ બારેયને કોર્ટમાં રજૂ કરીને પોલીસે આઠ દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતાં. આ બનાવમાં સંડોવાયેલા અન્ય શખસોને ઝડપી લેવા તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ફાયર આર્મ્સ સહિતના હથિયારો કબજે કરવા તજવીજ ચાલે છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer