અમરનાથ યાત્રાની બસ ખીણમાં ખાબકી : 16ના મૃત્યુ

અમરનાથ યાત્રાની બસ ખીણમાં ખાબકી : 16ના મૃત્યુ
બનિહાલ પાસે બસ ખાઇમાં ખાબકી : 35 યાત્રી ઘાયલ : વડાપ્રધાને સહાનુભૂતિ દર્શાવીનવી દિલ્હી, તા. 16 : આ વખતે અમરનાથયાત્રા પર કોઇને કોઇ સ્વરૂપે સંકટ તોળાતું રહ્યું છે. આતંકવાદી હુમલામાં 7  યાત્રીના મોત બાદ એક મોટી જીવલેણ દુર્ઘટનામાં જમ્મુ-શ્રીનગર ધોરીમાર્ગે બનિહાલ પાસે એક બસ ખાઇમાં ખાબકી પડતાં કમસે કમ 16 યાત્રીના મૃત્યુ થયા હતા.  બસ રામવનની ખીણમાં ખાબકતા 35 લોકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાની સાથે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. તેમજ મૃતકોના શબને બહાર કાઢવા માટેના પ્રયાસો શરૂ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાત્રીઓની જાનહાનિ બદલ દુ:ખની લાગણી વ્યકત કરતાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. બસ દુર્ઘટનામાં યાત્રીઓના મોત થતાં ભારે પીડા અનુભવું છું. તેમના કુટુંબો પ્રત્યે સહાનુભૂતિ છે, તેવું મોદીએ ટ્વીટ કર્યું હતું. આ અકસ્માત બાબતે કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તિએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

અમરનાથ યાત્રા માટે નીકળેલી સ્ટેટ રોડવેઝની આ બસ યાત્રાળુઓને જમ્મુથી પહેલગામ લઈ જઈ રહી હતી. આ દરમિયાન બનીહાલ નજીક આવેલી રામવનની ખીણમાં બસ ખાબકતા શ્રધ્ધાળુઓની ચીસોથી હાઈવે ગુંજી ઉઠયો હતો. આ ઘટના પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થયા હતા અને બચાવ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. રામવનના પોલીસ અધિક્ષક મોહનલાલે કહ્યું હતું કે, નચલાના બેલ્ટ પાસે બસ ફસકીને ખીણમાં પડી હતી જેમાં 16 યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત 19 લોકોને ઈજા પહોંચી છે જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલ લોકેને તાકીદે સારવાર મળે તે માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે. બીજી તરફ ખૂની નાલા અને રામસુ પાસે ભૂસ્ખલન થતા શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે ઉપર વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer