કાર્તી સામે મની લોન્ડરિંગ કેસ દાખલ

કાર્તી સામે મની લોન્ડરિંગ કેસ દાખલ
પીટર-ઇંદ્રાણી મુખર્જી સામે પણ PMLA તળે ECIR નોંધતું ઈડી

નવી દિલ્હી, તા. 19 : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ભૂતપૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમના પુત્ર કાર્તી ચિદમ્બરમ સામે આખરે નાણાની ગેરકાયદે હેરફેર (મની લોન્ડરિંગ) કેસ દાખલ કરતાં કાર્તી સામે મુસીબતમાં વધારો થયો છે. હેવાલ મુજબ કાર્તી તથા અન્યો સામે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પીસીના પુત્ર કાર્તી સામે હાલમાં જ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરની નોંધ લીધા બાદ મની લોન્ડરિંગ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અધિકારીઓએ કહ્યું હતું કે કેન્દ્રીય તપાસ સંસ્થાએ એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફર્મેશન રિપોર્ટની નોંધણી કરી છે જે પોલીસ એફઆઈઆરની ઈડીની એકસમાન પ્રક્રિયા છે. કાર્તી, આઈએનએક્સ મીડિયા અને તેના નિર્દેશકો પીટર અને ઈંદ્રાણી મુખર્જી અને અન્યો સહિત સીબીઆઈની ફરિયાદમાં જે લોકોના નામનો ઉલ્લેખ છે તે તમામ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ ઈસીઆઈઆરની નોંધણી કરવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે ઈડી દ્વારા આ કેસમાં જુદી જુદી ગતિવિધિમાં તપાસ કરવામાં આવશે. જુદા જુદા આરોપીઓની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. ઈડીએ આઈએનએક્સ મીડિયા દ્વારા કરવામાં આવેલી ગેરકાયદે ચૂકવણીના સંદર્ભમાં માહિતી ઉપલબ્ધ કરાવી હતી. જેના આધાર ઉપર સીબીઆઈએ તેની એફઆઈઆર દાખલ કરી હતી.

મંગળવારના સીબીઆઈએ કાર્તીની ઓફિસ અને આવાસ ઉપર ચાર શહેરોમાં એક સાથે તપાસ કરી હતી. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer