મોરબીમાં જનેતાનો બે માસુમ પુત્રી સાથે આપઘાત

મોરબીમાં જનેતાનો બે માસુમ પુત્રી સાથે આપઘાત
પુત્રેષ્ણા નહીં સંતોષાતાં પતિ અને સાસુ દ્વારા  મેણા ટોણા મારીને અપાતા ત્રાસના કારણે ભરેલું પગલું

મોરબી, તા.19 : અહીં શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ નજીક મોરાભગતની વાડીમાં રહેતી 27 વર્ષની સતવારા પરિણીતા શિતલ દયારામભાઇ પરમારે તેની ત્રણ વર્ષની  પુત્રી જીંકલ અને 13 દિવસની માસુમ પુત્રી પાયલને સાથે રાખીને અગનપછેડી ઓઢીને સામૂહિક આપઘાત કર્યો હતો. પુત્રેષ્ણા નહીં સંતોષાતા પતિ સહિતના સાસરિયા દ્વારા અપાતા ત્રાસના કારણે આ પગલું ભર્યાનું ખુલતા સાસરિયા સામે ગુનો નોંધાયો છે.

મોરાભગતની વાડીમાં રહેતી સતવારા યુવતી શિતલ દયારામ પરમારે તેની બે માસુમ પુત્રી સાથે અગ્નિસ્નાન કરીને સામૂહિક આપઘાત કર્યાની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળેથી યુવતી શિતલ અને તેની બે માસુમ પુત્રી જીંકલ અને પાયલની લાશ કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.પોલીસની તપાસમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, શનાળા રોડ પરના ઉમિયાનગરમાં  રહેતા સતવારા જીણાભાઇ કંજારિયાની પુત્રી શિતલના લગ્ન છ વર્ષ પહેલા ડેકોરેશન અને સાઉન્ડ સીસ્ટમનું કામ કરતાં  દયારામ પરમાર સાથે કરવામાં આવ્યા હતાં. સુખી લગ્ન જીવન ફળરૂપે ત્રણ વર્ષ પહેલા તે એક પુત્રીની માતા બની હતી. તેના પતિ સહિતના સાસરિયાને કુળદીપકની આશા હોવાથી તે ફરી ગર્ભવતી બની હતી અને તેર દિવસ પહેલા તેણે બીજી પુત્રીને જન્મ આપ્યો હતો. પરિવારની પુત્રેષ્ણા નહીં સંતોષાતા પતિ દયારામ, સાસુ  શારદાબહેન અને સસરા નરશીભાઇ રવજીભાઇ પરમાર દ્વારા મેણા ટોણા મારીને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. આ ત્રાસથી ગળે આવી ગયેલી શિતલે ક્રૂર નિર્ણય લઇને તેની બે માસુમ પુત્રીને સાથે રાખીને કેરોસીન છાંટીને જાત જલાવીને જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે તેના ભાઇ અમરશીભાઇ જીણાભાઇ કંજારિયાએ નોંધાવેલી ફરિયાદ પરથી તેના પતિ, સાસુ અને સસરા સામે આપઘાતના સંજોગો ઉભા કરવાના આરોપસરનો ગુનો નોંધવામાં આવ્યો હતો.  સરકાર દ્વારા બેટી બચાવ અને બેટી પઢાવ જેવા આંદોલન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે પુત્રેષ્ણાના કારણે યુવતીઓને જીવ દેવો પડે છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer