2013 સુધીના બાકી વીજજોડાણ વર્ષાંતે અપાશે: રૂપાણી

2013 સુધીના બાકી વીજજોડાણ વર્ષાંતે અપાશે: રૂપાણી
16 હજાર કરોડની સૌની યોજના પૈકી પ.પ0 હજાર કરોડનું કામ પૂર્ણ

ગોંડલના કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રીનું જનમેદનીને સંબોધન

 જનકસિંહ ઝાલા

રાજકોટ, તા.19 : ‘અયોધ્યા મેં રામ, યુવાઓ કો કામ અને કિસાના કો સહી દામ’ આ મિશનને પરિપૂર્ણ કરવા માટેની સરકારની નેમ છે અને એટલા માટે જ આગામી દિવસોમાં ગુજરાતના ધરતીપુત્રોને વીજળી અને પાણી માટે કોઈ ચિંતાનો પ્રશ્ન નહીં રહે તેવો ભરોસો આજરોજ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે આયોજિત કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હજારો ખેડૂતોને આપ્યો હતો.

રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતાં ત્યારથી જ ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બન્યો છે. ખેડૂત આધુનિક ખેતી કરે એટલુ ખેતઉત્પાદન કરે જેનાથી તે માત્ર રૂપિયા જ નહીં પરંતુ એ ઉત્પાદનની નિકાસ કરીને ડોલર કમાતો થાય તેવી મોદીની ઈચ્છા અને સ્વપ્નને રાજ્ય સરકાર કૃષિમહોત્સવ દ્વારા પરિપૂર્ણ કરવા જઈ રહી છે. ખેડૂતોને સારામાં સારુ બિયારણ, ઉચ્ચ ક્વોલિટીનું ખાતર, પાણી,વીજળી અને જે પાકનું ઉત્પાદન કર્યુ છે તેનું યોગ્ય વળતર મળે તે માટેના સરકારના પૂરતા પ્રયાસો છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, સરકારે ખેડૂતોને મગફળીના ટેંકાના ભાવ અપાવ્યાં છે આ ઉપરાંત તાજેતરમાં પોણા બે લાખ ટન તુવેરદાળની પણ ખરીદીની કરીને સરકારે ધરતીપુત્રોને ટેકો આપ્યો છે. અત્યારે ખેડૂતોને 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવી રહી છે. આજદિન સુધી ખેડૂતોને એક સર્વે નંબરદિઠ એક જ વીજળીનું જોડાણ મળતુ હતું પરંતુ હવે બીજુ કનેક્શન આપવાનો નિર્ણય આ વખતના બજેટમાં લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલ વીજજોડાણો મેળવવા માટે પીજીવીસીએલમાં વેઈટીંગ લિસ્ટ લાંબુ છે ત્યારે વર્ષ 2013 સુધીના તમામ અરજદારોને 2017 સુધીમાં વીજજોડાણ આપી દેવાશે અને સવા લાખ કનેક્શન રિલીઝ કરાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગામડા સમૃદ્ધ થાય તે માટે સૌની યોજના હેઠળ આગામી દોઢ વર્ષમાં સૌરાષ્ટ્રના તમામ ડેમો ભરી દેવામાં આવશે. રૂા.16 હજાર કરોડની આ યોજના પૈકી અત્યાર સુધીમાં સાડા પાંચ હજાર કરોડનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે અમૃત યોજના હેઠળ રૂા.26 કરોડના ખર્ચે ગોંડલ શહેરની ભૂગર્ભ ગટર યોજનાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમૂહૂર્ત તથા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગોંડલ નગરપાલિકા દ્વારા રૂા.12 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા મુખ્ય સી.સી. રોડના કામનું ઈ-તક્તીથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે બે પ્રગતીશીલ ખેડૂતોનું પણ સન્માન કરાયું હતું તથા 25 લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં કેન્દ્રિય ગ્રામ વિકાસ મંત્રી રામક્રિપાલ યાદવ, કેબીનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા, જયેશભાઈ રાદડિયા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, એપીએમસી ગોંડલના ચેરમેન જેન્તીભાઈ ઢોલ, યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer