ISISના ત્રણ આતંકી ઝડપાયા

ISISના ત્રણ આતંકી ઝડપાયા
નવી દિલ્હી, તા. 20 : ભારતમાં આઈએસના આતંકીઓ પકડ મજબૂત કરી રહ્યા છે. થોડા સમય અગાઉ ટ્રેન વિસ્ફોટ બાદ અલગ-અલગ રાજ્યોની પોલીસે સાથે મળીને શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી પાડયા હતા ત્યારે ફરીથી 6 રાજ્યોની પોલીસે સંયુક્ત કામગીરી કરીને આઈએસના ત્રણ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય 6 શંકાસ્પદોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ એટીએસએ મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, આંધ્રપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશમાં એક સંયુક્ત ઓપરેશન કર્યું હતું. જો કે ઉત્તર પ્રદેશના એડીજી દલજીત સિંહે કહ્યું હતું કે, આ શંકાસ્પદો આતંકવાદી સંગઠનોથી જોડાયેલા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

પોલીસને બાતમી મળી હતી કે, આતંકવાદીઓ મોટા હુમલાને પાર પાડવા માટે સક્રિય થયા છે અને નવા યુવાનોની ભરતી પણ કરી રહ્યા છે. આ બાતમી મળતાની સાથે જ યુપી એટીએસે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ, સીઆઈ સેલ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર એટીએસ, પંજાબ પોલીસ અને બિહાર પોલીસ સાથે સંપર્ક કર્યો હતો અને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં બિજનોરની બઢાપુર મસ્જિદમાંથી બે શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેની ઓળખ અકબરાબાદના મોહમ્મદ ફૈઝાન ઈમામ અને તુકમાપુરના મોહમ્મદ તનવીર મુઅજ્જમ તરીકે થઈ છે.

ઉત્તર પ્રદેશના એટીએસ પ્રમુખ અસીમ અરૂણે કહ્યું હતું કે, આ ત્રણેય સંદિગ્ધોને મુંબઈ, જલંધર અને બિજનોરથી ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 6 શખસોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પુરાવાના આધારે કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે તેવું ઉમેરવામાં આવ્યું હતું. દલજીત સિંહે કહ્યું હતું કે, આ શંકાસ્પદોમાંથી ચાર શખસો સામે પુરાવાઓ પણ છે. આ તમામ શખસો એવી રીતે કામમાં જોડાયા હતા કે કોઈપણ ગૃપ સાથે સંપર્ક રાખવામાં આવ્યો નહોતો. આ પ્રવૃત્તિને અપરાધિક ષડયંત્ર પણ કહી શકાય તેમ છે.

 ભારતમાં આઈએસનું ખુરાસાના મોડયુલ સક્રિય થયું હોવાના પુરાવા બાદ એવી પણ બાતમી મળી હતી કે આઈએસના અન્ય મોડયુલ પણ હરકતમાં આવ્યા છે. આ બાતમી મળતાની સાથે ઉત્તર પ્રદેશ સહિતના મોટા ભાગના રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ટ્રેનમાં બ્લાસ્ટના બનાવ બાદ ઉત્તર પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં આતંકી પ્રવૃત્તિઓ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer