‘તમને જવાબદારીનું ભાન છે ?’

‘તમને જવાબદારીનું ભાન છે ?’
નવી દિલ્હી, તા. 20 : વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવથી યમુના નદી અને તેના કિનારાને થયેલા નુકસાન બાબતની સુનાવણી દરમ્યાન શ્રીશ્રી રવિશંકર પર નારાજ થઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)એ તેમને એવો સવાલ કર્યો હતો કે તેમને પોતાની જવાબદારીનું ભાન છે ? તો આર્ટ ઓફ લિવિંગે કહ્યું હતું કે અમારી જવાબદારીની વાત કરનારાઓ અમને ઓળખતા નથી.  પોતે શા માટે દંડ ભરે ? જેમણે મહોત્સવની મંજૂરી આપી હતી એ કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને ખુદ એનજીટીએ ભરવો જોઈએ એવા શ્રીશ્રીના હાલના નિવેદનને લઈને ગ્રીન ટ્રિબ્યૂનલ કોર્ટ નારાજ દેખાઈ હતી. એનજીટીએ કહ્યું હતું કે તમે એક તરફ અહીં અરજી દાખલ કરી છે અને તમે ગમે તે બોલી શકો એવી આઝાદી હોવાનું તમે વિચારતા હો તો શું તમને પોતાની જવાબદારીનો અંદાજ છે ? તમારા આ નિવેદનો અમારા માટે ચોંકાવનારા છે.

એનજીટીના આદેશ પરથી બનેલી સમિતિએ એવો હેવાલ આપ્યો છે કે આર્ટ ઓફ લિવિંગના મહોત્સવથી યમુના કિનારે થયેલા પર્યાવરણના નુકસાનની ભરપાઈમાં 13.29 કરોડ અને ભૌતિક નુક્સાનની ભરપાઈમાં રૂા. 28.73 કરોડનો ખર્ચ થશે.

દરમ્યાન, આર્ટ ઓફ લિવિંગના પ્રવક્તા જયદીપ નાથે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આજની સુનાવણીમાં અમે અમારો પક્ષ રાખ્યો હતો અને હવે પછી પણ કોર્ટના આદેશનું પાલન કરશું. પણ આ સમિતિનો હેવાલ પક્ષપાતી છે. અમે અદાલતના માધ્યમથી આ બાબતની વૈજ્ઞાનિક તપાસ ઈચ્છીએ છીએ.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer