રાજકોટમાંથી ઝડપાઇ ઝેરી કેરી !

રાજકોટમાંથી ઝડપાઇ ઝેરી કેરી !
કાર્બાઇડની જે મ ચાઇનીઝ ઇથિલીનથી પણ કેરી પકાવાય છેરાજકોટ, તા.20 :  ઉનાળાની સીઝન સાથે ફળોના રાજા એવી ‘કેરી’નું આગમન થઈ ચૂક્યું છે ત્યારે આ કેરીઓને પકવવા માટે નફો કમાવવાની લ્હાયમાં કેટલાક લેભાગૂ વેપારીઓ દ્વારા હવે કેલ્શિયમ કાર્બાઈડની સાથોસાથ આરોગ્ય માટે સૌથી જોખમી જણાતા ચાઈનીઝ ઈથિલીન પાઉડરનો બેફામ ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. મહાપાલિકાની ફૂડ અને આરોગ્ય શાખાએ આજે મેંગો માર્કેટમાં પાડેલા સીઝનના પ્રથમ દરોડામાં કૃત્રિમ રીતે પકવેલી અંદાજે 1400 કિલો કેરીની સાથોસાથ ચાઈનીસ બનાવટની આર્ટિફિશ્યલ રાઈપરની 9600 પડીકીઓનો નાશ કર્યો હતો.

મ્યુનિ.તંત્રએ ગત વર્ષે જુદી-જુદી મેંગો માર્કેટમાં પાડેલા દરોડા દરમિયાન અંદાજે 32000 કિલો જેટલી કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલી કેરીનો નાશ કર્યો હતો. દરમિયાન કોર્પોરેશનની આંખે ન ચડાય તે માટે હવે કેરી પકવવા માટે કેટલાક ધંધાર્થીઓએ ‘ચાઈનીઝ  ઈથિલીન પાઉડર’નો ઉપયોગ કરવાનો કિમીયો અપનાવ્યો છે. આજે કુવાડવા રોડ પર પોલીસ ચોકીની પાસે ભરાતી મેંગો માર્કેટમાં 25 વેપારીઓના ચેકિંગ દરમિયાન ત્રણ વેપારીઓ (1) અબ્બાસભાઈ ઢેરા (2) રઝાકભાઈ તથા (3) મકનભાઈ છકડાવાળા કેરી પકવવા માટે ચાઈનીસ બનાવટના આર્ટીફિશ્યલ રાઈપરની પડીકીઓ વાપરતા હોવાનું ધ્યાને આવતા અંદાજે 9600 પડીકીઓની સાથે કૃત્રિમ રીતે પકવેલી 1400 કિલો કેરીનો નાશ કરાયો હતો.

નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડના જણાવ્યાનુસાર ઈથિલીન ગેસ ચેમ્બર દ્વારા કેરીઓને પકવવાની પદ્ધતિ કાયદાકિય રીતે માન્ય છે. ખુદ ગુજરાત એગ્રો કંપની તેનું સમર્થન કરે છે પરંતુ આ પદ્ધતિમાં પણ 100 પીપીએમ (પાર્ટીકલ પર મિલીયન)થી વધુ માત્રા ન હોવી જોઈએ. ચાઈનીઝ  બનાવટના આર્ટિફિશ્યલ રાઈપરમાં ‘ઈથિલીન’ ખરુ પરંતુ તે કોઈ ગેસ નથી અને ‘પ્રોહીબીટેડ’ છે. રાઠોડે ઉમેર્યુ હતું કે, જે 9600 પડીકીઓનો નાશ કરવામાં આવ્યો છે તે ખાદ્ય છે કે, અખાદ્ય ? એ પડીકીઓની અંદર ક્યાં ક્યાં ઈનક્રીડિયન્સ છે ? તેનો કોઈ ઉલ્લેખ પણ કરાયો ન હતો. ફૂડ અને આરોગ્ય ટીમે આ પડીકીઓના કેટલાક નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યાં છે.

કેલ્શિયમ કાર્બાઈડ અને ચાઈનીઝ ઈથિલીન પાઉડરમાં શું તફાવત ?

નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે ઉમેર્યુ હતું કે, કેલ્શિયમમ કાર્બાઈડમાં ‘એસીટીલીન’ ગેસ હોય છે.હકીકતમાં કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ ટોટા ફોડવા તેમજ વેલ્ડીંગ માટે વપરાય છે પરંતુ અહીં કેટલાક વેપારીઓ કેરી પકડવવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. ચાઈનીઝ આર્ટીફિશ્યલ રાઈપર પણ કેરી પકડવવા માટે વપરાય છે. અલબત કેલ્શિયમ કાર્બાઈડથી કેરી પકવવા માટે કેરીના 1 કિલોના જથ્થામાં માત્ર બે ગ્રામ વપરાય છે જ્યારે માત્ર બે ગ્રામ ઈથિલીન પાઉડર વડે 5 કિલો કેરી પકવી શકાય છે. જો કે, કેલ્શિયમ કાર્બાઈડની તુલનાએ ઈથિલીન પાઉડર મોંઘો પડે છે તેમ છતાં કોઈના ધ્યાનમાં ન આવે તે માટે લેભાગૂ વેપારીઓએ  આ અન્ય વિકલ્પ અપનાવ્યો છે. આજના દરોડોમાં પણ જે વેપારી પકડાયાં તેમણે પોતાના થડાની છત ઉપર આ પડીકીઓ સંતાડીને રાખી હતી.

 

રૂા.5માં મળે છે પડીકીઓ !

‘આર્ટિફિશ્યલ ફ્રુટ રાઈપર’ કહો કે, ‘ઈથિલીન પાઉડર’ તેની કિમત માત્ર રૂા.5ની છે. એક પડીકીમાં પાંચ કિલો કેરી પકવી શકાય છે. કેરી પકવવા માટે સૌથી પહેલા આ પડીકીને પાણીમાં બોળીને તેને છાપામાં વીટાળી કેરીના બોક્સમાં મૂકી દેવામાં આવે છે અને માત્ર 3 થી 4 દિવસમાં કેરી પાકી જાય છે. આશ્ચર્ય તો એ વાતનું પણ હતું કે, આ પડીકીઓ ક્યાંથી આવે છે, તેના મેન્યુફેકચર્સ કોણ છે તેનો કોઈ ઉલ્લેખ ન હતો. વેપારીઓ પાસે તેનું કોઈ બીલ પણ ન હતું. પોલીસ તંત્રએ આ પ્રકારના દરોડોમાં સહયોગ આપવો જોઈએ તેવી જાગૃત લોકોની માગણી છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer