કર્મચારીઓને મોટી રાહત: જીપીએફ ઉપાડ આસાન

કર્મચારીઓને મોટી રાહત: જીપીએફ ઉપાડ આસાન
નાણાં 1પ દિવસમાં મળી શકશે

બાળકોનાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચશિક્ષણ માટે ઉપાડ થઈ શકશે

નવીદિલ્હી,તા.20: સરકારી કર્મચારીઓને મોટી રાહત આપતાં કાર્મિક મંત્રાલય દ્વારા જનરલ પ્રોવિડન્ટ ફંડનાં નિયમોમાં અનેક છૂટછાટોની ઘોષણા કરવામાં આવી છે. આમાં કર્મચારી એટલે કે અંશદાતા માટે પીએફનાં નાણાનાં ઉપાડ સંબંધિત નિયમો સહિતની વ્યવસ્થાનું ઉદારીકરણ અને સરળીકરણ કરવામાં આવશે.

સ્વતંત્ર હવાલો ધરાવતાં રાજ્યમંત્રી ડૉ.જીતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે જીપીએફ (કેન્દ્રીય સેવા) નિયમો છેક 1960માં લાગુ કરવામાં આવેલા. જેમાં સમયાંતરે સુધારા-વધારા કરવામાં આવ્યા હોવાં છતાં સરકારી કર્મચારીઓની સાનુકુળતા માટે અને તેમના તરફથી ઉઠેલી ફરિયાદોને ધ્યાને લેતાં વધુ કેટલાંક સુધારાઓ આવશ્યક બને છે. આવાસ નિર્માણ અને બાળકોનાં શિક્ષણ સહિતની બાબતો માટે નાણાનાં ઉપાડની પ્રક્રિયા સરળ બનાવવાની આવશ્યકતા હતાં. માટે હવે તેનાં નિયમો કર્મચારીલક્ષી બનાવાયા છે.

જીપીએફનાં ઉપાડ માટે દસ્તાવેજી પુરાવાઓની આવશ્યકતા હવે ખતમ કરવામાં આવી છે. હવે કર્મચારી દ્વારા માત્ર ઘોષણાપત્ર આપવામાં આવે તો પણ તેનું કામ થઈ શકશે. આ ઉપરાંત માંદગી સહિતની તાકિદની આવશ્યકતામાં જીપીએફ ઉપાડ માટે 1પ દિવસથી વધુ સમય લાગશે નહીં. ઉપાડ માટેની લઘુતમ સમય અવધિ 1પ દિવસ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આવાસ માટે ઉપાડની મર્યાદા પણ વધારીને 90 ટકા કરવામાં આવી છે. વાહન ખરીદવા માટે જમારાશિનાં 3/4 રકમ ઉપાડી શકાશે. શિક્ષણનાં મહત્વને ધ્યાને રાખીને જીપીએફનાં નિયમોમાં શૈક્ષણિક હેતુની વ્યાખ્યા પણ વિસ્તારિત કરવામાં આવી છે અને હવે તેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સહિતનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં હવે યાત્રા પ્રવાસ માટે પણ જીપીએફ એડવાન્સ ઉપાડી શકાશે. જીતેન્દ્ર સિંહે ઉમેર્યુ હતું કે સરકાર કર્મચારીઓની સામાજિક અને આર્થિક સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે અને તેના માટે અનુકુળ માહોલનું નિર્માણ પણ કરી રહી છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer