સુશાસનના સકારાત્મક સંકેત કોમનમેન બનવા પ્રયાસ કરતા સીએમ

સુશાસનના સકારાત્મક સંકેત કોમનમેન બનવા પ્રયાસ કરતા સીએમ
યુપી, ઉત્તરાખંડ અને પંજાબનાં મુખ્યમંત્રીઓ પહેલા દિવસથી જ હરકતમા: નિર્ણયોની હારમાળા

 

નવીદિલ્હી, તા.20: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ચાર રાજ્યોમાં સત્તા કબજે કરી લીધી છે અને પ્રજાએ ભાજપમાં મુકેલો વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરતાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતે શાસન ધૂરા સંભાળતાની સાથે જ સપાટાભેર નિર્ણયો કરવા માંડયા છે. આમાં પક્ષ દ્વારા આપવામાં આવેલા કરકસરથી માંડીને ભ્રષ્ટાચાર વિરોધી અને સવલત ત્યાગ સહિતના વચનો પુરા કરવાની દિશામાં નિર્ણયો લેવાયા છે. બીજીબાજુ આશ્વાસન સમાન પંજાબનાં વિજય બાદ કોંગ્રેસની સરકારનાં મુખ્યમંત્રી અમરિન્દરસિંહે પણ કરકસરનાં આક્રમક પગલાંઓની જાહેરાત કરી છે. એકંદરે મુખ્યમંત્રીઓ વચ્ચે પ્રજાહિતનાં આવા નિર્ણયો માટેનું સ્પર્ધાત્મક વાતાવરણ સકારાત્મક સંકેતો આપી જાય છે. ભાજપનાં મુખ્યમંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન માટે સ્થાપિત કરેલા સીમાચિહ્નોને પગલે ચાલતું રહેવાનું થશે. બીજીબાજુ દેશમાં પક્ષનાં ધોવાણ પછી કોંગ્રેસનાં મુખ્યમંત્રીની સક્રિયતા પક્ષને માટે ઉત્સાહવર્ધક બની રહેશે. નવરચિત સરકારોના આ પગલાંઓ વર્તમાન સરકારો માટે બોધપાઠ સમાન છે.

 

યુપીમાં યોગીનો સપાટો: વીઆઈપી કલ્ચર બંધ

મંત્રી, અધિકારીને સંપત્તિ જાહેર કરવા ફરમાન

અલ્હાબાદ તા. 20: યોગી આદિત્યનાથે યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના બીજા જ દિવસે અલ્હાબાદ નગર નિગમ સત્તાવાળાઓએ શહેરમાંના બે કતલખાનાં સીલ કર્યા છે.પક્ષે તેના ઢંઢેરામાં યુપીમાંના તમામ કતલખાનાં બંધ કરવાનો સંકલ્પ કર્યો હતે. (ભેંસના માંસના ઉત્પાદનમાં દેશના ટોચના રાજયો  પૈકી એક યુપીમાં ’14-’1પમાં 7,પ1પ લાખ કિલો માંસનું ઉત્પાદન કર્યાનું પશુ સંવર્ધન ખાતાએ જણાવ્યું છે.) કોઈ ભેદભાવ વગર શાસન કરવાની પ્રતિજ્ઞા લેનાર મુખ્યમંત્રીએ પોતાના શાસન દરમિયાન કોઈ વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન ન આપવા નિર્ણય કર્યો છે. રાજયના કોઈ મંત્રીને તેમના સત્તાવાર વાહનના મથાળે લાલ બત્તી વાપરવા છુટ ન આપવાના આદેશ તેમણે જારી કર્યા છે.

તમામ મંત્રીઓ અને અધિકારીઓને તેમની સ્થાવર -જંગમ મિલકતોની વિગતો પંદર દિવસમાં રજૂ કરવા તાકીદ કરતા મુખ્યમંત્રીએ રાજયમાંના બહેતર પોલીસ કારોબારને લગતી રૂપરેખા પંદર દિવસમાં ઘડવાની સૂચના રાજયના પોલીસ વડાને બોલાવીને આપવા સાથે ઉજવણીના નામે રાજયમાં જાહેર વ્યવસ્થામાં ખલેલ ન પડવી જોઈએ એવો ય આદેશ આપ્યો છે.

 

ઉત્તરાખંડમાં મંત્રીઓને સંપત્તિ જાહેર કરવી ફરજિયાત

યોગીના પગલે રાવત દ્વારા પણ લેવાયો ફેંસલો

દહેરાદૂન, તા. 20 : યોગી આદિત્યનાથના રસ્તે ચાલતાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પણ સોમવારે જણાવ્યું હતું કે, મારી સરકાર તમામ મંત્રીઓ માટે સંપત્તિ સાર્વજનિક કરવી ફરજિયાત બનાવશે. રાવતે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં બધા પ્રધાનો અને ધારાસભ્યોએ દર વરસે તેમની સંપતિની વિગતો જાહેર કરવાની હોય છે. હું મારા રાજ્યમાં પણ આ નિયમ લાગુ કરીશ.

વધુમાં ત્રિવેન્દ્રએ એવું પણ કહ્યું હતું કે, હાલ ઉત્તરાખંડની સરકાર નાણાકીયખોટનો સામનો કરી રહી હોવાથી રાજ્યના વિકાસ માટે આવકના નવા સ્રોતોની તલાશ પણ કરાશે.

રાવતે તેમની સરકાર ગૌવંશ સંરક્ષણના મુદા પર પણ અસરકારક રીતે કામગીરી કરશે તેવી પ્રતિબધ્ધતા બતાવી હતી.

ખાસ ઉલ્લેખનીય છે કે, ભાજપના ઐતિહાસિક વિજય બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે શપથ લેનાર યોગી આદિત્યનાથે પણ તેમના તમામ મંત્રીને 15 દિવસમાં સંપત્તિની વિગતો આપવા નિર્દેશ આપ્યો હતો.

 

અમરિન્દર સિંહની ગજ ઍના: કરકસરનાં શ્રેણીબદ્ધ પગલાં

લાલબત્તીથી માંડીને સરકારી ભોજન સમારંભો બંધ

ચંદિગઢ, તા.20: પંજાબનાં નવા મુખ્યમંત્રી અમરિન્દર સિંહે પોતાનાં સહિત તમામ સરકારી વાહનો ઉપરથી લાલબત્તી હટાવી લેવાનો આદેશ આપ્યો છે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડનાં મુખ્યપ્રધાનો દ્વારા આવી જ પહેલ કરવામાં આવેલી છે ત્યારે પંજાબમાં કોંગ્રેસનાં મુખ્યમંત્રીએ પણ આવો જ આદેશ આપીને બતાવેલી સક્રિયતા કદાચ કોંગ્રેસનો ઉત્સાહ વધારવામાં પણ ઉપયોગી સાબિત થઈ શકશે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં એકમાત્ર પંજાબમાં કોંગ્રેસની સરકાર બની છે અને હવે તેનાં મુખ્યમંત્રી પણ પોતાનાં કાર્યકાળનાં આરંભ સાથે જ હરકતમાં આવી ગયા છે. શનિવારે મળેલી પંજાબની મંત્રીમંડળની બેઠકમાં લાલબત્તીનો નિર્ણય લેવાયો હતો. પંજાબનાં નાણામંત્રી મનપ્રીતસિંહ બાદલે આ ઉપરાંત જણાવ્યું હતું કે મંત્રી, વિધાયકો કે પછી મુખ્યમંત્રી કોઈ શિલાન્યાસ કે ઉદ્ઘાટન કરશે નહીં. આટલું જ નહીં 100-200 કરોડની મોટી પરિયોજનાઓમાં પણ મુખ્યમંત્રી કે મંત્રીઓનાં નામ શિલાન્યાસ તક્તીઓમાં લખાશે નહીં. આટલું જ નહીં, અમરિન્દર સરકારે પ્રધાનો માટે બે વર્ષ સુધી વિદેશપ્રવાસો પણ પ્રતિબંધિત કરી દીધા છે. સરકારી ખર્ચે વીઆઈપીઓનાં સત્કારમાં ભોજન સમારંભો પણ યોજવામાં આવશે નહીં.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer