હું મુખ્યપ્રધાનની રેસમાં નથી, વિધાનસભા ચૂંટણી સુધી જ છું. : શંકરસિંહ

હું મુખ્યપ્રધાનની રેસમાં નથી, વિધાનસભા ચૂંટણી સુધી જ છું. : શંકરસિંહ
અમદાવાદ, તા.20: વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પોતે મુખ્યપ્રધાનના દાવેદાર હોવાની વાત નકારી કાઢી હતી. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 2017ની ચૂંટણી માટે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે કોંગ્રેસ આવે છે તેવા નારા સાથે બોલાવવામાં આવેલા સંમેલનમાં શંકરસિહ વાઘેલાએઁ મહત્વનું  નિવેદન આપતા કહ્યું કે હું સીએમની રેસમાં નથી. હું વિધાનસભા ચૂંટણી સુધી જ છું.

            વાઘેલાએ તેમના અંગે થઇ રહેલી અટકળોને રોકવાનો પ્રયાસ કરતા કહ્યું કે, રાજકારણમાં ધ્રુવીકરણ 2002થી ચાલે છે. આ ચૂંટણી ટર્નિંગ પોઇન્ટ બનવાની છે. 

વાઘેલાએ  જણાવ્યું હતું કે, બધા સમાજને ન્યાય આપવા જીતવું પડશે. જો જીતીશુ તો બધા સમાજને ન્યાય મળશે. વધુમાં તેમણે કહ્યું કે, હું તારા-મારાની રેસમાં નથી. કોંગ્રેસનો એક પણ નેતા સીએમ પદ માટે ચૂંટણી નથી લડતો. તેમણે પણ ક્યારેય મુખ્યપ્રધાન થવા માટે કામ કર્યુ નથી તેમનો પ્રયાસ તો કોંગ્રેસને સત્તા મળે તે માટેનો હોવાનું તેમણે કહ્યું હતું.

            એનસીપી નેતા શરદ પવાર સાથેની મુલાકાત વિશે શંકરસિંહે જણાવ્યું હતું કે, ભાજપ અને મોદીને બ્રેક લગાવવા મુલાકાત કરી છે. તેઓએ દિલ્હી માત્ર કામ માટે ગયા હોવાનું જણાવ્યુ ંહતું.

             ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસમાં જુથબંધી ચરમસીમાએ છે તેના કારણે હાલના તબક્કે શંકરસિંહ વાઘેલાએ હાઇકમાન્ડના ઇશારે આ જાહેરાત કરી હોવાનું કોંગ્રેસમાં ચર્ચા છે. જો કે કોંગ્રેસના મુખ્યપ્રધાનના દાવેદારનું નામ જાહેર કરવામાં કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા વિલંબનીતિ અપનાવવામાં આવશે તો ભંગાણ નિશ્ચિત હોવાનું પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચર્ચાઇ રહ્યું છે. એનસીપીના નેતા શરદ પવાર સાથેની શંકરસિંહની અને પ્રફુલ્લ પટેલ સાથેની મહેન્દ્રસિંહ વાઘેલાની મુલાકાતને કોંગ્રેસ હાઇકમાન્ડ ગંભીરતાથી લઇ રહી હોવાનું મનાય છે.  જો કે શંકરસિંહ વાઘેલાએ આ મુલાકાતને ઔપચારિક શુભેચ્છા મુલાકાત જ ગણાવી હતી. વાઘેલાએ કહ્યું કે, કોંગ્રેસ અને એનસીપીના સંબંધો ઘણા જૂના છે. સંબંધો છે, હતા અને રહેશે. શરદ પવારને મેં ભોજન માટે નિમંત્રણ આપ્યું હતું. શરદ પવાર ત્યાં પહોંચી ન શકતા હોવાથી હું મળવા પહોંચ્યો હતો. મુલાકાતનો કોઇપણ રાજકીય એજન્ડા નથી.

  

 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer