જખૌ પાસે માંગરોળની બોટમાં આગ, 3 માછીમારના મૃત્યુ, 3 લાપતા

જખૌ પાસે માંગરોળની બોટમાં આગ, 3 માછીમારના મૃત્યુ, 3 લાપતા
રસોઈના સળગતા ચુલાએ ત્રણ માછીમારનો ભોગ લીધો: લાપતાની 100 બોટ દ્વારા શોધ ચાલુ

ઓખા/માંગરોળ, તા.11: ઓખા બંદરેથી તા.5મીના રોજ માંગરોળની બાહુબલી આઈ.એન.ડી.જી.જે-11-એમ.એમ.-13040 નંબરની બોટ સાત ખલાસી સાથે દરિયામાં ફીસીંગ કરવા માટે જખૌ ગઈ હતી. માછીમારી કરતા રાત્રીના રસોઈ બનાવીને જમીને સુતા હતા ત્યારે ચુલો ચાલુ રહી જતા પવનના કારણે બળતા લાકડા બોટમાં વેરાયા હતા. આ કારણે અચાનક આગ લાગી અને વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. તેમાં રહેલા ખલાસીઓ પોતાના બચાવ માટે સાથી બોટ પુનીત સાગરને જાણ કરતા તે બોટ બચાવવા આવી હતી પરંતુ ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધુ હતું બોટમાં રહેલ સાત ખલાસીમાંથી ત્રણ ખલાસીઓ બળીને ભડથું થઈ ગયા હતા. અને ત્રણ ખલાસી દરિયામાં કુદી પડતા લાપતા થયા હતા. એક જ ખલાસી ટંડેલ સાદુલ પંચાલ વાઘેલા (32) બચી ગયો હતો. મૃતક ત્રણ ખલાસી (1) સંજય બામણિયા-18 વર્ષ (2) વિજય વાઘેલા-20 વર્ષ (3) પરબત બામણિયા-50 ઉના તાલુકાનો રહેવાસી હતો. ઓખા બંદરે આજે સવારે મૃતદેહ આવ્યો હતો અને પોલીસે લાશનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ માટે દ્વારકા મોકલાવેલ છે. દરિયામાં લાપતા થયેલા (1) પામક સંજય દેગાન (20) (2) બામણિયા ભાણા પોલા (44) (3) વંશ કાનજી અરશી (25)ની શોધ ચાલુ છે.

લાપતા ત્રણ પૈકી ભાણા બામણિયા અને સંજય કોળ ગામના છે. જ્યારે કાનાભાઈ કરેડીના છે. તેઓને શોધવા સો બોટ દરિયો ફંફોળી રહી છે.

 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer