સૌરાષ્ટ્ર બન્યું કોલ્ડસ્ટોરેજ: કડકડતી ઠંડી

સૌરાષ્ટ્ર બન્યું કોલ્ડસ્ટોરેજ: કડકડતી ઠંડી


 

રાજકોટ, તા.11 : સૌરાષ્ટ્રમાં ઠંડીએ જોર પકડયું છે. આજે લગભગ તમામ સ્થળોએ તાપમાન બે આંકડાથી નીચે એટલે કે, 10 ડિગ્રીથી ઓછું થઇ ગયું હતું. ગિરનાર ઉપર ચાર ડિગ્રી થઇ જતાં લોકોએ તાપણાનો સહારો લેવો પડયો હતો. જામનગરમાં ગઇકાલે 15.1 ડિગ્રી હતું. એક દિવસમાં પારો આઠ ડિગ્રી ઉતરી જતાં આજે સાત ડિગ્રીએ સૌ ઠુંઠવાયા હતાં. દિવસે પણ ગરમ કપડાનો સહારો લેવો પડયો હતો. રાજકોટમાં ગઇકાલે 9.9 હતું. આજે 8.3 થતાં લોકો દિવસભર ગરમ કપડામાં રહ્યાં હતાં.  ઠંડીનો પ્રકોપ હજુ ત્રણ દિવસ યથાવત રહેશે અને બે દિવસ થોડી નરમાશ પછી ફરી પાછી ઠંડી વધશે તેવી આગાહી થઇ છે. તિવ્ર ઠંડીથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. સવાર મોડી પડે છે અને રાત વહેલી થઇ છે. રાત્રે ફરનારા લોકો વહેલા ઘરમાં પૂરાઇ જાય છે. દુકાનો પણ નિર્ધારીત સમય કરતાં વહેલી આટોપાઇ જાય છે. સૌરાષ્ટ્રંમાં ઠંડી અંગેના અહેવાલનું સંકલન આ મુજબ છે.

સોરઠમાં કોલ્ડવેવ

ગિરનાર પર્વત ઉપર તાપમાનનો પારો 4 ડિગ્રીએ પહોંચતા ઠંડાગાર છવાયો છે. પ્રવાસીઓ થંભી ગયા છે. પશુ-પક્ષી અને પ્રાણીઓનો કલરવ શાંત થઇ ગયો છે. આજે મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી, ન્યુનતમ 8 ડિગ્રી, ભેજ 61 અને 16 ટકા તથા પવનની ગતિ 5.8 કિ.મી. છે. ગિરનાર પર્વત પર હેમાળો હલકતા પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઇ છે. જંગલમાં પશુ-પક્ષી અને પ્રાણીઓનો કલરવ શાંત થઇ ગયો છે. તળેટીમાં ઠેરઠેર તાપણાઓ શરૂ થયાં છે.

જામનગરમાં 7 ડિગ્રી

જામનગર શહેરના સામાન્ય જનજીવન ઉપર ઠંડીની અસર પહોંચી હતી. ગઈકાલે લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું હતું તેમાં આઠ ડિગ્રીનો ઘટાડો થઈ જતાં જામનગર શહેર ઠંડુગાર બની ગયું હતું. આમ તો છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ ક્રમશ: વધતું રહ્યું છે. રાત્રે ઠેર-ઠેર લોકો તાપણા, હિટર કે બંધ કમરાના સહારે ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે ગઈકાલ કરતાં પચાસ ટકાથી વધુ તાપમાન ઘટી જતાં શહેરીજનો કાતિલ ઠંડીથી ઠુંઠવાયા હતા. સવારે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરી પર જતા લોકો પરેશાન થયા હતા. આજે દુકાનો પણ મોડી ખૂલી હતી. ભેજનું પ્રમાણ 30થી 80 ટકા વચ્ચે નોંધાયું હતું. પવનની ગતિ 10થી 20 કિ.મી.ની રહી હતી.

ભાવનગર શહેરમાં આજે ઠંડીનો પારો 11.5 હતો. લોકો ગરમ કપડાંમાં જોવા મળતા હતા. અલબત્ત અન્ય કરતા ભાવનગરમાં ઠંડી ઓછી છે.

માળિયા હાટીનામાં છેલ્લા 3 દિવસથી ઠંડીનું મોજું ફળી વળ્યું છે. સવારના નવ વાગે ખૂલતી દુકાનો 10-30 કલાકે ખૂલે છે અને રાત્રે 9-30 વાગે બંધ થતી દુકાનો આઠ વાગે બંધ થઇ જાય છે.

સુરત: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં શીત લહેરથી લોકો ઠુંઠવાયા હતા. સુરત શહેરનું અધિકતમ તાપમાન 27.2 અને ન્યુનતમ 12.8 ડિગ્રી હતું. શિયાળાની ફૂલગુલાબી ઠંડીથી બચવા ફરજિયાત ગરમ વત્રો પહેરવાની ફરજ પડી હતી.  

વલસાડ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે ન્યુનતમ તાપમાન 9.5 ડિગ્રી હતું.

ઓડદરમાં ઠંડીથી બે કુંજના મૃત્યુ: પાંચને સારવાર

પોરબંદર: અરબી સમુદ્રના કિનારે પોરબંદરમાં પણ 8 ડિગ્રી તાપમાન થઇ જતાં નજીકના ઓડદર ગામે વાડી વિસ્તારમાં સાત કુંજ પક્ષીઓ તીવ્ર ઠંડીને લીધે જકડાઇ ગયા હતા જે પૈકી બેના મોત થયા હતા જ્યારે બાકીના પાંચને પક્ષી અભયારણ્યમાં સારવાર આપવામાં આવી હતી.

પોરબંદરથી 10 કિ.મી. દૂર ઓડદર ગામે હાજાભાઇ ઓડેદરાની વાડીમાં કેટલાક કુંજ પક્ષીઓ ઠંડીને કારણે જકડાઇને તરફડિયા મારતા હોવાનું ધ્યાને આવતા રાત્રે હાજાભાઇએ ગ્રીનવાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીનો સંપર્ક સાધતા તેના સભ્યો જયદીપ કાટબામણા, ચિંતન કેશવાલા અને આકાશ ખોખરી વગેરે તાત્કાલીક ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ બે પક્ષીઓના મોત નિપજ્યા હતાં. ઇજાગ્રસ્ત પક્ષી દેખાય તો ગ્રીનવાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીના રેસ્કયુ કરનારાઓ ચિરાગભાઇ ટાંક 99251 83883નો સંપર્ક સાધવા જણાવાયું છે.

સાજિયાવદરમાં ઠુંઠવાઇ જવાથી અજાણ્યાનું મૃત્યુ

અમરેલી તાલુકાનાં સાજિયાવદર ગામ નજીક કેનાલમાંથી અજાણ્યા આધેડ (ઉ. 50)ની લાશ મળી હતી. ખાખી ધાબળો ઓઢેલ અજાણ્યા શખસનું ઠંડીમાં ઠુંઠવાઇ જવાના કારણે મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક તારણ છે. ખાખી ધાબળા ઉપર ક.+હ. લખેલ છે. અને હાલ લાશને અમરેલી સિવિલ હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવી છે. આ માટે અમરેલી તાલુકા પોલીસ (02792) 223198નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

સક્કરબાગમાં પશુ-પક્ષી- પ્રાણીઓઁને ઠંડીથી બચાવવા હિટર ગોઠવાયા

જૂનાગઢ, તા. 11: સોરઠમાં કોલ્ડવેવ છવાતા સક્કરબાગમાં રહેતા પશુ-પક્ષી, પ્રાણીઓ માટે હિટર, બલ્બ, નેટ ગોઠવાયા છે તેમ ઝૂ સુપ્રિ. પંડિતે જણાવ્યું છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા જનજીવન ઠંડીમાં ઠુંઠવાવા લાગ્યું છે. ઠંડીથી બચવા લોકો ગરમ વત્રોમાં ઢંકાયા છે. જંગલમાં પશુ-પક્ષીઓનો કલરવ શાંત થવા લાગ્યો છે. આ સ્થિતિમાં સક્કરબાગમાં રહેતા પશુ-પક્ષી, પ્રાણીઓને ઠંડી સામે રક્ષણ આપવા ઝૂ તંત્ર દ્વારા દરવર્ષની માફક હિટર, બલ્બ, નેટ સહિતની સુવિધા ગોઠવવામાં આવી છે.

 

આબુમાં માઇનસ 2.4

ગુજરાતમાં એકાએક તીવ્ર ઠંડીની સાથે સાથે રાજસ્થાનના પ્રવાસી સ્થળ માઉન્ટ આબુમાં પણ પારો એકાએક ગગડી ગયો છે. અહીં લઘુત્તમ તાપમાન માઈનસ 2.4 ડિગ્રી થઈ ગયું છે. માઈનસમાં તાપમાન પહોંચી જતા લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ફરવા માટે પહોંચેલા પ્રવાસીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. માઉન્ટ આબુના સુપ્રસિદ્ધ નખી લેક પણ થીજી ગયું છે. આગામી દિવસોમાં પણ માઉન્ટ આબુમાં તીવ્ર ઠંડીનો ચમકારો રહે તેવી શકયતા છે.

 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer