.. તો એપ્રિલથી GST લાગુ થઇ જશે: જેટલી

.. તો એપ્રિલથી GST લાગુ થઇ જશે: જેટલી
(ખાસ પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 11: ગુડઝ એન્ડ સર્વિસ ટેકસનો અમલ એપ્રિલથી નહીં થઇ શકે એવી કાઉન્સિલની જાહેરાત પછી પણ નાણાપ્રધાન તેનો અમલ કરાવવા પ્રતિબદ્ધ હોય એવી પ્રતિતી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જીએસટીના સેમિનાર દરમિયાન થઇ હતી.

નાણાપ્રધાન અરૂણ જેટલીએ મહાત્મા મંદિર ખાતે ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ અંગેના સેમિનારને સંબોધતા આજે એવું જણાવ્યું હતું કે, જીએસટીના અમલ આડે કેટલીક અડચણો છે પરંતુ તેનો નિકાલ બે-ચાર અઠવાડિયામાં થઇ જાય એવી સંભાવના છે. જેટલીનું આ વિધાન સત્ય ઠરે તો એપ્રિલથી જીએસટી લાગુ થઇ જશે. જો જીએસટી આડેની અડચણો 1લી ફેબ્રુઆરી પહેલા દૂર થાય તો અંદાજપત્રમાં સર્વિસ ટેકસ 15માંથી 18 ટકા સુધી થઇ શકે છે. જો કે સર્વિસ ટેકસ વધે તો જીએસટી એપ્રિલથી લાગુ થઇ રહ્યો છે તેવો સંકેત લોકોને મળી જશે તેવું સમિટની બહાર વિશ્લેષકોએ કહ્યું હતું. અલબત, જીએસટીનો અમલ એપ્રિલથી થશે જ એવો કોઇ સીધો સંકેત જેટલીએ આપ્યો ન હતો પરંતુ, કેન્દ્રના રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયાએ તો તેના વકતવ્યમાં જીએસટી એપ્રિલથી આવી રહ્યો છે એવું જણાવી દીધું હતું!

અરૂણ જેટલીએ જીએસટી અંગેના સેમિનારમાં એમ કહ્યું હતું કે, 2014 પૂર્વેની સરકારમાં મેક્રો ઇકોનોમિક અર્થાત સમષ્ટિ અર્થકારણમાં સુધારાઓ ઠપ પડેલા હતા. યુપીએ સરકારે જાણે આ પ્રક્રિયા થંભાવી દીધી હતી. એનડીએના આગમન પછી આર્થિક સુધારાઓની પ્રક્રિયા વેગવાન બની છે. હવે અર્થતંત્રને સમગ્ર વિશ્વના રોકાણકારો માટે ખુલ્લું મૂકી દેવાયું છે. મહત્ત્વના દરેક ક્ષેત્રોમાં સરકારે સુધારા કરીને વિકસાવ્યા છે. હવે દેશ એક ‘નવ ભારત’ તરીકે ઉપસી આવ્યો છે.

2016નું વર્ષ ભારતીય અર્થતંત્ર માટે ઘણું જ હકારાત્મક રહ્યું છે. જીએસટી ખરડા પછી નોટબંધી પણ સફળ રહી હોવાનું જેટલીએ કહ્યું હતું.

નવી સરકારે દરેક અંદાજપત્રોમાં સબસીડીનો બોજ હળવો કરી નાંખ્યો છે. સરકાર સબસીડીઓ ઘટાડતી રહી છે, હજુ ઘટતી જશે. નોટબંધીનો નિર્ણય કઠોર હતો પરંતુ તેનો લાભ લાંબા ગાળે સમગ્ર દેશને પ્રાપ્ત થશે. ભારતમાં 2014 પૂર્વે નોન કમ્પ્લાયન્સ સોસાયટી અસ્તિત્વમાં હતી. વિદેશમાં આપણી આર્થિક નીતિઓની ટીકા થતી હતી. હવે ઉલ્ટો પ્રવાહ છે. સરકારે કરેલા સુધારાઓની નોંધ દુનિયા આખીને લેવી પડી છે.

વર્તમાન સમયે ઉત્પાદન, સેવા, રાજ્યના કરવેરા અને લકઝરી ટેકસનું મસમોટું માળખું અસ્તિત્વમાં છે. જીએસટીએ બધા કર દૂર કરી નાંખ્યા છે. હવે ટેકસ ભરનારને પણ લાભ થશે. વેપાર-ઉદ્યોગની ઇનપુટ ટેકસ ક્રેડીટ અટવાશે નહીં અને રાજ્યોની આવકમાં પણ વધારો થશે.

જીએસટીને અમે ડિજીટલાઇઝ માળખામાં અમલમાં મૂકીશું તેનાથી અર્થતંત્રમાં પારદર્શકતા વધશે અને સૌ ટેકસ ભરતા થઇ જશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer