મોદી સરકારથી ડરવાની જરૂર નથી : રાહુલ ગાંધી

મોદી સરકારથી ડરવાની જરૂર નથી : રાહુલ ગાંધી
(આનંદ કે. વ્યાસ) નવી દિલ્હી,તા.11 : નાતાલની રજાઓ ગાળીને સ્વદેશ પરત આવેલા કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે કૉંગ્રેસના જનવેદના સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો અને કટાક્ષો કર્યા હતા. કૉંગ્રેસ દ્વારા દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત આ સંમેલનમાં રાહુલે માત્ર નોટબંધી સંબંધે જ નહીં કેન્દ્ર સરકારની નીતિઓની સાથે મોદી વિરુદ્ધ જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોદીના ભાષણમાં બોલાતો શબ્દ મિત્રો તેમ જ મોદીના યોગ સંબંધી કાર્યક્રમો પર રાહુલે આકરા કટાક્ષો કરતા કૉંગ્રેસના નેતાઓને સંદેશો આપ્યો હતો કે તેમનાથી ડરવાની જરૂર નથી. મોટી મેદનીને સંબોધતાં રાહુલે ભાજપના અચ્છે દિનના નારાની ઠેકડી ઉડાવતાં કહ્યું હતું કે વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો વિજય થશે ત્યારે જ દેશમાં અચ્છે દિન આવશે. મોદી સરકારના નોટબંધીના નિર્ણયને રાહુલે ભારતના ઇતિહાસનો સૌથી ખરાબ સરકારી નિર્ણય ગણાવ્યો હતો.

જનવેદના સંમેલનની શરૂઆતમાં તેમ જ બપોર બાદ સમાપનમાં રાહુલ ગાંધીએ મોદી સરકારની નીતિઓ, નિર્ણયો અને ભાજપ તેમ જ મોદીના કૉંગ્રેસ મુક્ત ભારતના નારાની ભરપૂર ટીકા કરવા સાથે જ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશની જનતાને ડરાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કૉંગ્રેસ લોકોની પડખે અડીખમ ઊભી છે. લોકોએ ડરવાની જરૂર નથી. કૉંગ્રેસનું પ્રતીક હાથ તમામ ધર્મ અને સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ કરે છે તેથી દેશના કોઇ સમુદાયે ડરવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ પાર્ટીના પ્રતીક અંગે સમજાવ્યું હતું કે શિવ, ગુરુનાનક, બુદ્ધ અને મહાવીર જેવા ભગવાન અને મહાપુરુષોના ચિત્રોમાં આશીર્વાદની મુદ્રામાં હાથ જોવા મળે છે. મેં પાર્ટીના વરિષ્ઠ નેતા ડૉ કરણ સિંહને આનો અર્થ પૂછતા તેમણે કહ્યું હતું કે મહાપુરુષો અને ભગવાન સંકેત આપે છે કે ડરો નહીં, સચ્ચાઇનો સામનો કરો. આ રીતે કૉંગ્રેસની વિચારધારા કહે છે ડરો નહીં, અન્ય પાર્ટીઓની વિચારધારા છે ડરો અને ડરાવો.

મોદીના યોગ પ્રેમ વિશે કટાક્ષ કરતાં રાહુલે કહ્યું હતું કે મેં તેમને ધ્યાનથી યોગ કરતા જોયા છે પરંતુ તેઓ પદ્માસન બરાબર નથી કરી શકતા. મારા યોગ ગુરુએ મને કહ્યું હતું કે જે લોકો ખરેખર યોગ જાણતા હોય તે પદ્માસન કરી શકે, જે પદ્માસન ન જાણતા હોય તેને યોગ વિશે કંઇ જ ખબર ન હોય.

નાદુરસ્ત તબિયતના કારણે કૉંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી આ સંમેલનમાં હાજર નહોતા રહી શક્યા તેથી રાહુલ ગાંધીએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું, એવી માહિતી કૉંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પત્રકારોને આપી હતી. સોમવારે આ સંબંધી સ્પષ્ટતા કરતાં ગોહિલે કહ્યું હતું કે નોટબંધીથી દેશની જનતાને પડતી તકલીફોને વાચા આપવા વિપક્ષોની આગેવાની રાહુલ ગાંધીએ જ લીધી હતી તેથી જન વેદના સંમેલનમાં પણ રાહુલ ગાંધી જ અધ્યક્ષ સ્થાન સંભાળશે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer