બદતર દિવસો તો હવે આવશે : મનમોહન

નોટબંધી મુદ્દે ચિદમ્બરમે કહ્યું, નિર્ણય વિનાશકારી

 

નવી દિલ્હી, તા. 11 (પીટીઆઈ) : નોટબંધીથી દેશના જીડીપીમાં ઘટાડાના ભય વચ્ચે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે નરેન્દ્ર મોદી સરકાર પર આકરો હુમલો કરતાં કહ્યું હતું કે, નોટબંધી એ એક આપત્તિ છે અને વિમુદ્રીકરણને કારણે ખરાબ દિવસો આવવાના હજુ બાકી છે. તેમણે એમ પણ કહ્યું કે, મોદી સરકારના પતનની શરૂઆત થઈ ચૂકી છે.

કોંગ્રેસ દ્વારા આજે તાલકટોરા સ્ટેડિયમમાં નોટબંધી સામે ‘જનવેદના સંમેલન’માં બોલતાં મનમોહનસિંહે કહ્યું કે, રૂા. 500 અને રૂા. 1000ની નોટને અમાન્ય કરવાનો નિર્ણય દેશની અર્થવ્યવસ્થાને બદથી બદતર સ્થિતિમાં લઈ જશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત અર્થતંત્રના દાવાને પણ ખોખલો ગણાવ્યો હતો.

કોંગ્રેસના આ સંમેલનમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે પણ મોદી સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, સરકારનો આ નિર્ણય અર્થતંત્ર માટે વિનાશકારી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, સરકારે 500 અને 1000ની નોટને ચલણમાંથી સરકારે રદ કરી તે આઠમી નવેમ્બરે કોઈ જ કેબિનેટ બેઠક યોજાઈ ન હતી.

1991માં નાણામંત્રી તરીકે દેશની અર્થવ્યવસ્થાને નવો આયામ આપનારા મનમોહનસિંહે કહ્યું કે, નોટબંધીને કારણે દેશની જીડીપીમાં બે ટકાનો ઘટાડો આવી જશે.

પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, તમામ રેટિંગ એજન્સીઓએ 7.7થી 7 ટકા નીચે દેશનો આર્થિક વિકાસ રહેવાનું અનુમાન આપ્યું છે. તેને કારણે કૃષિ અને અનૌપચારિક ક્ષેત્રોની રોજગારીમાં ઘટાડો આવશે કે જે દેશની રાષ્ટ્રીય આવકમાં 45 ટકાનું યોગદાન આપે છે.

સિંહ અને ચિદમ્બરમ બંનેએ નોટબંધીથી આર્થિક વિકાસમાં ઘટાડો ન થવાના સરકારના દાવાને નકાર્યો હતો. પીસીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, આરબીઆઈની પ્રતિષ્ઠા પર ખતરો છે. આખી દુનિયામાં એકમાત્ર નાણામંત્રી અરુણ જેટલી જ કહી રહ્યા છે કે, નોટબંધીથી દેશની અર્થવ્યવસ્થા પર કોઈ અસર પહોંચશે નહીં.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer