નોટબંધીથી ભારતનો વિકાસ ધીમો પડશે !

નોટબંધીથી ભારતનો વિકાસ ધીમો પડશે !
નવી દિલ્હી, તા.11 : વર્લ્ડબેંકે આજે 2016-17ના વર્ષ માટેનો ભારતનો વૃદ્ધિ દર નોટબંધીને કારણે આગલા 7.6 ટકાથી ઘટાડીને ‘હજુ પણ મજબૂત’ 7 ટકા કર્યો હતો અને એમ પણ જણાવ્યું હતું કે દેશ આગામી વર્ષોમાં 7.6 ટકા અને 7.8 ટકાના વિકાસ સાથે ગતિ પકડશે. બેંકે જણાવ્યું હતું કે નોટબંધીની ‘અવળી અસરો‘ મધ્યમ ગાળામાં દૂર થઈ જશે અને કોઇપણ સુધારા પાછળ કંઇક ભોગ તો આપવો પડતો હોય છે. વર્લ્ડ બેંકે તેના છેલ્લા અહેવાલમાં જણાવ્યું છે કે ‘નવેમ્બર માસમાં ચલણમાંથી મોટી સંખ્યામાં નોટોને તાકીદે પાછી ખેંચવાને કારણે અને તેના સ્થાને નવી નોટો ગોઠવવાના કારણે 2016માં વિકાસ ધીમો પડયો છે.’

પોતાના અહેવાલમાં બેંકે જણાવ્યું છે કે ભારતનો વિકાસ હજુ પણ મજબૂત 7 ટકા(31 માર્ચ 2017ના પુરા થતા નાણાકીય વર્ષ માટે) રહેશે. ખાસ કરીને ક્રૂડ ઓઇલના નીચા ભાવો અને મજબૂત અન્ન ઉત્પાદનના કારણે ચલણમાંથી નોટો પાછી ખેંચાવાને કારણે જે અસર થાય તે અમુક અંશે સરભર થઈ જશે. એ વાત નોંધપાત્ર છે કે આજે ભારત વિશ્વમાં ચીનને પણ વટાવીને સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારત 2018માં તેના અર્થતંત્રની ગતિ ફરી મેળવશે અને વિકાસ 7.6 ટકા થઈ જશે અને તે પછીના વર્ષે વિકાસ 7.8 ટકા થશે. સરકારે લીધેલા કેટલાય સુધારાલક્ષી પગલાના પરિણામો હવે જોવા મળશે અને પુરવઠામાં અવરોધ ઘટશે અને ઉત્પાદન વધશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer